સત્ય. સાહસ. સંકલ્પ.

રામાયણમાં મંદોદરીના રોલમાં કાજલ અગ્રવાલ, સેટના ફોટા શેર કરી ચાહકોનો આભાર માન્યો

રામાયણમાં મંદોદરીના રોલમાં કાજલ અગ્રવાલ, સેટના ફોટા શેર કરી ચાહકોનો આભાર માન્યો

નિતેશ તિવારીની ફિલ્મ 'રામાયણ'માં રાવણની પત્ની મંદોદરીની ભૂમિકા ભજવતી અભિનેત્રી કાજલ અગ્રવાલે ફિલ્મના સેટ પરથી પોતાના લુકના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. 'સિંઘમ' ફિલ્મથી પ્રખ્યાત થયેલી કાજલે આ ફોટા સાથે લાંબું કેપ્શન પણ લખ્યું છે અને ચાહકોનો આભાર માન્યો છે.

ફોટામાં કાજલ લાલ, ગુલાબી અને મરુન રંગના વસ્ત્રોમાં જોવા મળે છે. લંકાની રાણી મંદોદરીના પાત્ર માટે તૈયાર કરાયેલો આ શાહી લુક તેને ખૂબ ગમ્યો હોવાનું તેમણે જણાવ્યું છે. તેમણે માથાથી પગ સુધી સોનાના ઘરેણાં પહેર્યા છે. માથા પર ખાસ ડિઝાઇનવાળો મુકુટ છે, જે દક્ષિણ-પૂર્વ એશિયાઈ સંસ્કૃતિના પરંપરાગત શાહી મુકુટની યાદ અપાવે છે.

પોતાની પોસ્ટમાં કાજલે લખ્યું છે કે કેટલીક ફિલ્મોને કોઈ પાત્રની લંબાઈ કે સ્ક્રીન પરના સમયથી આંકી શકાતી નથી. તેના બદલે તેનું મહત્વ વાર્તાની ભવ્યતા, તેને બનાવવા માટે કરાયેલી મહેનત અને આપણી શ્રદ્ધા તથા સંસ્કૃતિમાં રહેલી આ ખાસ ફિલ્મનો ભાગ બનવાના સૌભાગ્યથી નક્કી થાય છે.

તેમણે ઉમેર્યું કે હું દિલથી એ લોકોનો આભાર માનું છું, જેમણે આપણી સાંસ્કૃતિક વારસાના આ સુંદર ભાગને અને નાના પરંતુ મહત્વના પાત્રને આટલો પ્રેમ આપ્યો.

અગાઉ એક ઇન્ટરવ્યુમાં કાજલે જણાવ્યું હતું કે રામાયણના સેટ પર કામ કરવાનો અનુભવ બિલકુલ અલગ હતો. ફિલ્મમાં વપરાયેલી ટેકનિક અને તેની ભવ્યતાને કારણે આ ફિલ્મ બીજી ફિલ્મોથી અલગ પડે છે.