સત્ય. સાહસ. સંકલ્પ.

કડીમાં ભાજપની આંતરિક કડવાશ વચ્ચે સાંસદ રાજુ શુક્લનું નિવેદન: 'કમળ પકડવું સારું'

કડીમાં ભાજપની આંતરિક કડવાશ વચ્ચે સાંસદ રાજુ શુક્લનું નિવેદન: 'કમળ પકડવું સારું'

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કુંડાળ ગામના વતની અને મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન વિનોદ પટેલના 65મા જન્મદિવસની ઉજવણી હવે માત્ર સેવાકીય કાર્યક્રમ પૂરતી સીમિત નથી રહી. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્યસભાના સાંસદ રાજુ શુક્લ સહિતના દિગ્ગજોની ઉપસ્થિતિમાં થયેલા રાજકીય નિવેદનોએ કડીના રાજકારણમાં ચર્ચા જગાવી છે.

કાર્યક્રમમાં સૌથી વધુ ચર્ચા સાંસદ રાજુ શુક્લના નિવેદનની થઈ રહી છે. મંચ પરથી કાર્યકર્તાઓને સંબોધતા તેમણે એકતાનો પાઠ ભણાવ્યો અને 'કડી એક જ છે' તેવું પ્રદર્શિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. રાજકીય શિસ્ત અને પક્ષ પ્રત્યેની નિષ્ઠાની વાત કરતા તેમણે કહ્યું કે, વ્યક્તિગત રીતે કોઈ નેતાના ઝભ્ભા પકડવા કરતાં કમળ પકડવું હંમેશાં સારું છે, કારણ કે વ્યક્તિ કરતાં વિચારધારા અને પક્ષનું મહત્ત્વ વિશેષ રહે છે. તેમણે 'બટોગે તો કટોગે'ના નારાને માત્ર ઉત્તર પ્રદેશ પૂરતો સીમિત ન રાખતા તમામ માટે એક મોટો સંદેશ ગણાવ્યો.

આંતરિક નારાજગી અંગે વાત કરતા સાંસદ શુક્લે જણાવ્યું કે, પાર્ટીમાં કે કાર્યકર્તાઓ વચ્ચે કોઈપણ પ્રકારનું મનદુઃખ કે કડવાશ હોય તો તેને જાહેરમાં ચગાવવાને બદલે સંબંધિત વ્યક્તિને કાનમાં કહીને તેનું નિરાકરણ લાવવું જોઈએ, જેથી કાર્યકર્તાઓનો ઉત્સાહ જળવાઈ રહે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જૂના સંદર્ભને યાદ કરતા તેમણે ટાંક્યું કે, "કુછ મુખડો કી નારાજગી સે દર્પણ મરા નહીં કરતે," અર્થાત્ કોઈની નારાજગીથી અરીસાનું અસ્તિત્વ ખતમ થતું નથી.

કાર્યક્રમમાં નીતિન પટેલ, વિનોદ પટેલ અને રાજુ શુક્લ સહિતના અગ્રણીઓના અંગત ગમા-અણગમા હોવાનો પરોક્ષ ઉલ્લેખ કરીને તેમણે સૌને ભાજપના શિસ્તબદ્ધ કાર્યકર્તા તરીકે પક્ષની વિચારધારાને સમર્પિત રહેવા અપીલ કરી. આમ, એક તરફ રક્તદાતાઓએ લોહી આપીને સેવાયજ્ઞ દીપાવ્યો, તો બીજી તરફ નેતાઓએ રાજકીય કડવાશ દૂર કરી એકસંપ રહેવાનો સંદેશ આપીને કડીના રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. હવે જોવાનું એ રહે છે કે કાર્યકર્તાઓની આ નારાજગી કાન સુધી જ સીમિત રહે છે કે આગામી સમયમાં રાજકીય મંચો પર તેના પડઘા સંભળાય છે.