સત્ય. સાહસ. સંકલ્પ.

જ્વાળાદેવી શક્તિપીઠ: ગર્ભગૃહમાં પ્રતિમા નહીં, ખડકોમાંથી નીકળતી 9 પ્રાકૃતિક જ્યોતિઓની પૂજા

જ્વાળાદેવી શક્તિપીઠ: ગર્ભગૃહમાં પ્રતિમા નહીં, ખડકોમાંથી નીકળતી 9 પ્રાકૃતિક જ્યોતિઓની પૂજા

હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં આવેલું જ્વાળાદેવી મંદિર દેશના 51 શક્તિપીઠોમાંનું એક મહત્વપૂર્ણ સ્થાન છે. આ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીં ગર્ભગૃહમાં દેવીની કોઈ મૂર્તિ નથી. ખડકોની તિરાડોમાંથી કુદરતી રીતે નીકળતી આગની જ્વાળાઓને જ દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. આ જ્વાળાઓને 'અખંડ જ્યોતિઓ' કહેવામાં આવે છે.

મંદિરના ગર્ભગૃહમાં મુખ્ય જ્યોતિ મહાકાળીના નામે પૂજાય છે, જે ચાંદીથી જડેલા ગોખલામાં સ્થિત છે. આસપાસની અન્ય તિરાડોમાંથી પણ નાની-નાની જ્વાળાઓ નીકળે છે. આમ, કુલ નવ જ્વાળાઓની પૂજા થાય છે. આ જ્યોતિઓને પ્રગટાવવા માટે તેલ, ઘી કે વાટનો ઉપયોગ થતો નથી; જમીનની અંદરથી નીકળતા પ્રાકૃતિક ગેસથી આ જ્યોતિઓ સતત પ્રજ્વલિત રહે છે.

ધાર્મિક માન્યતા અનુસાર, અહીં દેવી સતીની જીભ પડી હતી, તેથી આ જ્વાળાઓને દેવીની જીભનું રૂપ માનવામાં આવે છે. આ જ કારણસર જ્વાળાદેવીને અગ્નિ શક્તિનું કેન્દ્ર કહેવામાં આવે છે.

જ્વાળાદેવી મંદિરમાં સદીઓથી નવ અખંડ દીવા સતત પ્રગટી રહ્યા છે. આ નવ જ્યોતિઓ નવ દેવી સ્વરૂપોમાં પૂજાય છે:

1. મહાકાળી: મુખ્ય જ્યોતિ, ગર્ભગૃહના પ્રવેશની સામે ચાંદીના ગોખલામાં. ભક્તિ અને મુક્તિ આપનારી શક્તિ.

2. અન્નપૂર્ણા: મહાકાળીની નીચે. અન્ન અને પરિવારના પોષણની શક્તિ.

3. ચંડી: મહાકાળીની બીજી તરફ. શત્રુઓ અને ખરાબ શક્તિઓનો નાશ કરનારી.

4. હિંગળાજ ભવાની: સંકટ અને બાધાઓ દૂર કરનારી.

5. વિંધ્યવાસિની: શોક અને દુઃખ દૂર કરનારી.

6. મહાલક્ષ્મી: ગર્ભગૃહના પવિત્ર કુંડમાં. ધન, વૈભવ અને સમૃદ્ધિની દેવી.

7. સરસ્વતી: તે જ કુંડમાં. વિદ્યા અને જ્ઞાન પ્રાપ્તિ માટે પૂજા.

8. અંબિકા: કુંડમાં જ. સંતાન પ્રાપ્તિ અને બાળકોના કલ્યાણ માટે પૂજા.

9. અંજના દેવી: કુંડમાં જ. આયુષ્ય અને સુખ આપનારી.

નવરાત્રિના સમયમાં અહીં વિશેષ ઉત્સવ યોજાય છે. 11 ઓક્ટોબરે પારંપરિક ધ્વજ ચઢાવવાની વિધિથી આસો નવરાત્રિનો પ્રારંભ થયો. પહેલા ધ્વજની પૂજા થઈ, પછી તેને મંદિરની છત પર લગાવવામાં આવ્યો. આ પ્રસંગે મંદિરને 51 ક્વિન્ટલ દેશી-વિદેશી ફૂલોથી સજાવવામાં આવ્યું. નવરાત્રિ દરમિયાન નવ પ્રાકૃતિક જ્યોતિઓની વિશેષ આરાધના, હવન, યજ્ઞ અને કન્યા પૂજન થાય છે. ત્રણ વખત લંગરની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.

અહીં દેવીની સાથે દેવતાઓ અને પિતૃઓ માટે પણ વિશેષ અનુષ્ઠાન થાય છે. દેવતાઓ માટે 'સ્વાહા' અને પિતૃઓ માટે 'સ્વધા' બોલીને આહુતિ આપવામાં આવે છે. મંદિરના મુખ્ય દ્વાર પર બનેલા યોગિની કુંડમાં ખપ્પર પૂજા થાય છે, જેનાથી પિતૃદોષ અને વાસ્તુદોષમાંથી મુક્તિ મળે છે.

મંદિરમાં પેઢીઓથી ભોજક પરિવારના લોકો પૂજા કરે છે. આ પરિવારમાં લગ્ન પછી જ પૂજારી બનવાનો અધિકાર મળે છે. જ્વાળાદેવી મંદિરની આ પરંપરા સદીઓથી ચાલી આવે છે.