ભારતના રાષ્ટ્રપતિએ બંધારણની કલમ 124(2) હેઠળની સત્તાનો ઉપયોગ કરીને ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક કરી છે. કાયદા અને ન્યાય મંત્રાલયના ન્યાય વિભાગે આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. જસ્ટિસ અગ્રવાલ પોતાનો પદભાર સંભાળે તે તારીખથી તેઓ સુપ્રીમ કોર્ટના જજ તરીકે કાર્યરત થશે. આ જાહેરનામું સંયુક્ત સચિવ જગન્નાથ શ્રીનિવાસને બહાર પાડ્યું છે.
આજે ગુજરાત હાઈકોર્ટમાં જજો અને સરકારી વકીલોની ઉપસ્થિતિમાં જસ્ટિસ સુનિતા અગ્રવાલનો વિદાય સમારંભ યોજાયો હતો. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસની સત્તાવાર નિમણૂક ન થાય ત્યાં સુધી સિનિયર મોસ્ટ જજ માનસ રંજન પાઠક એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે કાર્યભાર સંભાળી શકે છે.
કેન્દ્રીય કાયદા મંત્રીએ એક્સ પર આ નિમણૂકની જાહેરાત કરી હતી.
જસ્ટિસ સુનિતા અગ્રવાલ ગુજરાત હાઈકોર્ટના બીજા મહિલા ચીફ જસ્ટિસ બન્યા હતા. તેમણે ત્રણ વર્ષ પહેલાં સોનિયા ગોકાણી બાદ આ પદ સંભાળ્યું હતું. તેઓ મૂળ અલ્લાહાબાદ હાઈકોર્ટના જજ છે અને જુલાઈ 2023થી ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે કાર્યરત છે. તેમણે 1989માં અવધ યુનિવર્સિટીમાંથી કાયદામાં સ્નાતકની પદવી મેળવી હતી અને ડિસેમ્બર 1990થી કાયદાના વ્યવસાયમાં છે.
ગુજરાત હાઈકોર્ટમાં હાલમાં 52 જજની મંજૂર સંખ્યા સામે 33 જજ કાર્યરત છે, જ્યારે 19 જગ્યાઓ ખાલી છે. હાઈકોર્ટમાં જજો માટે નિવૃત્તિની ઉંમર 62 વર્ષ અને સુપ્રીમ કોર્ટમાં 65 વર્ષ છે. હવે ગુજરાત હાઈકોર્ટમાં સૌથી સિનિયર જજ માનસ રંજન પાઠક રહેશે. તેમની તાજેતરમાં જ ઓડિશા હાઈકોર્ટથી ગુજરાત હાઈકોર્ટમાં બદલી થઈ છે.
સુપ્રીમ કોર્ટની કોલેજિયમ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે માનસ રંજન પાઠક અથવા અન્ય કોઈ જજની ભલામણ આગામી સમયમાં કરી શકે છે.
અગાઉ 2025માં ગુજરાત હાઈકોર્ટથી નિલય અંજારિયા અને વિપુલ પંચોલી સુપ્રીમ કોર્ટના જજ બન્યા હતા. જસ્ટિસ વિપુલ પંચોલીની ઓગસ્ટ 2025માં સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક થઈ હતી. તેમણે 1991માં ગુજરાત હાઈકોર્ટમાં કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી હતી અને તેમણે ગુજરાત હાઈકોર્ટમાં સરકારી વકીલ તરીકે પણ કામ કર્યું હતું.
જસ્ટિસ એન.વી. અંજારિયા 21 નવેમ્બર 2011થી ફેબ્રુઆરી 2024 સુધી ગુજરાત હાઈકોર્ટમાં જજ તરીકે કાર્યરત હતા. ત્યારબાદ 25 ફેબ્રુઆરી 2024ના રોજ તેઓ કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ બન્યા અને 30 મે 2025ના રોજ સુપ્રીમ કોર્ટના જજ બન્યા હતા.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના જજ નિલય અંજારિયા અને વિપુલ પંચોલી, સોલિસિટર જનરલ તુષાર મહેતા, એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુ અને એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી અમદાવાદની એલ.એ. શાહ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે.