સત્ય. સાહસ. સંકલ્પ.

જૂનાગઢના માળિયા હાટીના ગામોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા, ખેડૂતોએ સરકાર સમક્ષ માંગ રજૂ કરી

જૂનાગઢના માળિયા હાટીના ગામોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા, ખેડૂતોએ સરકાર સમક્ષ માંગ રજૂ કરી

જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના કાલીંભડા ગીર સહિત આસપાસના અનેક ગામોમાં પીવાના પાણી અને સિંચાઈના પાણીની સમસ્યા ગંભીર બની છે. વ્રજમી જળાશયમાં પાણી ઉપલબ્ધ હોવા છતાં સ્થાનિક ગામોને પૂરતું પાણી મળતું નથી, એવો ખેડૂતોનો આરોપ છે. કાલીંભડા ગીર ખાતે ખેડૂતો એકઠા થઈને સરકાર સમક્ષ તાત્કાલિક જળાશયમાં પાણી છોડવાની માંગ કરી રહ્યા છે.

ખેડૂતોનું કહેવું છે કે જો સમયસર પાણી નહીં મળે, તો પીવાના પાણીની સાથે પાક અને પશુધન પર પણ ગંભીર અસર પડી શકે છે. માળિયા હાટીના તાલુકાના દૂધાળા ગીર સહિત આસપાસના છ જેટલા ગામોમાં હાલ પીવાના પાણીનો પ્રશ્ન ઉભો થયો છે. ગામની નજીક ડેમ હોવા છતાં તેનું પાણી બહારના તાલુકા, ખાસ કરીને માંગરોળ તરફ જાય છે, જ્યારે સ્થાનિક ગામોમાં પીવાનું પાણી ઉપલબ્ધ નથી.

ખેડૂતોએ માંગ કરી છે કે વ્રજમી જળાશયમાં તાત્કાલિક પાણી છોડવામાં આવે, જેથી સ્થાનિક ગામોના પીવાના પાણીનો પ્રશ્ન હલ થાય. સાથે જ જળાશયમાં પાણી આવવાથી કૂવા અને બોરના તળ ઊંચા આવે અને મર્યાદિત સિંચાઈ માટે પણ પાણી મળી રહે. પાણીની ઉપલબ્ધતા વધવાથી પશુધન માટે જરૂરી ઘાસચારાની સમસ્યા પણ હળવી થશે, એવી ખેડૂતોને આશા છે.

વાંદરવડ ગામના ખેડૂતોએ પણ પાણીની સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરી છે. આસપાસના પાંચ ગામોમાં પીવાનું પાણી પૂરતું નથી, જ્યારે વિસ્તારમાંથી પાણી માંગરોળ તરફ લઈ જવાય છે. ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે કાં તો જળાશયમાં પાણી છોડીને સ્થાનિક લોકોને પીવાનું પાણી આપવામાં આવે, અથવા માંગરોળ તરફ જતું પાણી બંધ કરવામાં આવે. ખેડૂતોનું કહેવું છે કે હાલના ડેમમાંથી સિંચાઈ માટે કોઈ કેનાલ કે અન્ય વ્યવસ્થા નથી, અને તેનો મુખ્ય હેતુ પીવાના પાણીનો છે. તેમ છતાં સ્થાનિક લોકોને પીવાનું પાણી નથી મળતું.

કાલીંભડા ગીરના ખેડૂત આગેવાનોએ જણાવ્યું કે તેમના ગામ ખાતે વ્રજમી જળાશય આવેલું છે અને તેનું હેડ ચોરવાડ ખાતે છે. હાલ વિસ્તારમાં પિયતનું પાણી સુકાઈ રહ્યું છે અને ઘાસચારાની ભારે અછત છે, જેના કારણે પશુધન બચાવવું પણ મુશ્કેલ બન્યું છે. આ મુદ્દે કાલીંભડા ગીર ખાતે સૌની યોજનાના પમ્પિંગ સ્ટેશન નજીક ખેડૂતોની બેઠક યોજાઈ હતી, જેમાં આસપાસના ૮થી ૧૦ ગામોના ખેડૂતો જોડાયા હતા. તેમનું કહેવું છે કે પાણી વહેલી તકે આવવાનું હતું, પરંતુ હજુ સુધી લાઇનમાં પાણી પહોંચ્યું નથી. આગામી બે દિવસમાં જળાશયમાં પાણી પહોંચાડવાની માંગ કરવામાં આવી છે.

ખેડૂતોના જણાવ્યા મુજબ, વિસ્તારમાં મગફળીનું વાવેતર મોટા પ્રમાણમાં થયું છે. જો સમયસર પાણી નહીં મળે, તો ઉભો પાક નિષ્ફળ જવાની ભીતિ છે, જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થઈ શકે છે. સાથે પશુધન માટે પાણી અને ઘાસચારાની અછત પણ વધુ ગંભીર બની શકે છે. ખેડૂતોએ સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા અને તાલુકા પ્રમુખ દિલીપભાઈ સહિતના આગેવાનોને આ મામલે સહકાર આપવા અપીલ કરી છે.

ખેડૂતોનું કહેવું છે કે તેઓ કોઈ હઠ નથી ધરી રહ્યા, પરંતુ પોતાના પીવાના પાણી, ખેતી અને પશુધન બચાવવા માટે ન્યાયસંગત માંગ સરકાર સમક્ષ કરી રહ્યા છે. જુલાઈના પ્રથમ સપ્તાહ બાદ વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ પડ્યો ન હોવાનો ખેડૂતોનો દાવો છે. હવે સરકાર દ્વારા વ્રજમી જળાશયમાં ક્યારે પાણી છોડવામાં આવે છે અને ખેડૂતોની માંગ અંગે શું નિર્ણય લેવાય છે, તેના પર આસપાસના અનેક ગામોના ખેડૂતોની નજર છે.