જૂનાગઢ જિલ્લામાં દિવાળીના તહેવારો દરમિયાન પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની ગણતરીઓ બગાડી નાખી છે. ખેતરોમાં લણણી કરીને તૈયાર રાખેલા પાક પર અચાનક માવઠું તૂટી પડતાં ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે.
કેશોદ તાલુકાના બાલાગામ, બામણાસા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. બાલાગામના ખેડૂત હરસુખભાઈ જોટવાએ જણાવ્યું કે, બપોર પછી આવેલા ભારે વરસાદે સમગ્ર પંથકમાં વ્યાપક નુકસાન કર્યું છે. મગફળીની લણણી પૂર્ણ થઈ ગઈ હતી અને માત્ર પાક ઉપાડવાનો બાકી હતો, ત્યાં જ વરસાદ ખાબક્યો. ગયા વર્ષે પણ પાક નિષ્ફળ જવાથી ખેડૂતોને ફટકો પડ્યો હતો, અને આ વર્ષે પાક તૈયાર હતો ત્યારે ફરી કુદરતે માર માર્યો છે. મોંઘા ભાવના ખાતર, દવા અને બિયારણનો ખર્ચ કરીને મહેનતથી પકવેલો પાક બરબાદ થતાં ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ, પાક સાથે પશુઓ માટેનો ઘાસચારો (ભૂકો) પણ પલળી જતાં મોટું નુકસાન થયું છે. હાલ બજારમાં ઘાસચારાનો ભાવ પ્રતિ વીઘે ₹5,000થી ₹6,000 ચાલી રહ્યો છે, જે હવે સડી જતાં પશુપાલકોએ બહારથી ઘાસચારો ખરીદવો પડશે. વધુમાં, સતત પાણી ભરાઈ રહેવાથી મગફળી કાળી પડી ગઈ છે અને તેની ગુણવત્તા બગડી છે, જેના કારણે સરકારી ટેકાના ભાવે તે સ્વીકારાય તેવી શક્યતા ઓછી છે.
બાલાગામના અન્ય ખેડૂત રાજેશભાઈ ડાભીએ ભારે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું કે, ખેતરોમાં 99 ટકા તૈયાર પાક પલળી જતાં 100 ટકા નુકસાન થયું છે. આ માવઠાને કારણે આ વર્ષની દિવાળી બગડી છે અને આવતા વર્ષની વાવણી માટે બિયારણની મગફળી બમણા ભાવે ખરીદવી પડશે, જેથી ખેડૂતો બે વર્ષ પાછળ ધકેલાયા છે. આ વિસ્તારમાં પવનને કારણે જુવારનો પાક ઢળી પડ્યો છે અને સોયાબીન સાવ નિષ્ફળ ગયું છે.
કમરતોડ નુકસાન સામે ઝઝૂમી રહેલા ખેડૂતોએ સરકાર સમક્ષ વિનંતી કરી છે કે, વિશેષ ટીમો બનાવીને નુકસાનીનો સર્વે કરાવી યોગ્ય અને પૂરતું વળતર ચૂકવવામાં આવે.