સત્ય. સાહસ. સંકલ્પ.

જૂનાગઢમાં ત્રીજા દિવસે પણ વરસાદ, ઉનામાં પાંચ ઈંચ વરસાદથી નદી-નાળા છલકાયા

જૂનાગઢમાં ત્રીજા દિવસે પણ વરસાદ, ઉનામાં પાંચ ઈંચ વરસાદથી નદી-નાળા છલકાયા

જૂનાગઢ શહેર અને જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી છે. જૂનાગઢ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો અને શહેરના રોડ-રસ્તા પર પાણી ફરી વળ્યું હતું.

શહેરના બસ સ્ટેશન, મોતીબાગ, રેલવે સ્ટેશન, કાળવા અને ઝાંઝરડા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. સતત વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

બીજી તરફ ગીર સોમનાથના ઉના પંથકમાં સોમવારે પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેના કારણે નદી-નાળા છલકાઈ ગયા હતા. આ વરસાદથી મગફળી, સોયાબીન અને કપાસના પાકને ફાયદો થવાની આશા છે.

જોકે ભારે વરસાદને કારણે ઉના તાલુકાના પાલડી ગામમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી ગયા હતા. ગામના અંદાજે 35થી 40 ઘરોમાં પાણી ભરાઈ જતાં ઘરવખરીને ભારે નુકસાન થયું છે. દર ચોમાસે પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોવા છતાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ઉના તાલુકાના કેસરિયા ગામમાં પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. બાંભણિયા શેરી અને નવાપરા સહિતના વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા. પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકો પરેશાન બન્યા છે. દર વર્ષે ચોમાસામાં આવી જ સ્થિતિ સર્જાતી હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે. વારંવારની રજૂઆત છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ ન આવતાં લોકોમાં ભારે રોષ છે.

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ રાજ્યમાં લો પ્રેશર, મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાથી આગામી કલાકોમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. આજે ખાસ કરીને કચ્છમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે દ્વારકામાં અતિભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના અન્ય કેટલાક જિલ્લાઓમાં પણ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.