સત્ય. સાહસ. સંકલ્પ.

જૂનાગઢ: શંકરસિંહ વાઘેલાના જ્ઞાતિ નિવેદન સામે સુખરામ દાસ બાપુએ નારાજગી વ્યક્ત કરી

જૂનાગઢ: શંકરસિંહ વાઘેલાના જ્ઞાતિ નિવેદન સામે સુખરામ દાસ બાપુએ નારાજગી વ્યક્ત કરી

જૂનાગઢ: અનામત મુદ્દે શંકરસિંહ વાઘેલાએ કરેલા નિવેદન સામે હવે સંતોએ નારાજગી વ્યક્ત કરી છે. મહંત મહામંડલેશ્વર સુખરામ દાસ બાપુએ આ અંગે નારાજગી વ્યક્ત કરતો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે વાઘેલાએ સમજી વિચારીને બોલવું જોઈએ.

શંકરસિંહ વાઘેલાએ અનામત મુદ્દે કરેલા નિવેદન બાદ સવર્ણોનો રોષ હજુ શમ્યો નથી. ત્યારે હવે જૂનાગઢના સંતે પણ નારાજગી વ્યક્ત કરી છે. મહંત મહામંડલેશ્વર સુખરામ દાસ બાપુએ જણાવ્યું કે શંકરસિંહ વાઘેલાએ કોઈપણ જ્ઞાતિને નીચી ન બતાવવી જોઈએ. તેમણે કહ્યું કે 'મેલું ઉપાડવાના' નિવેદનથી જ્ઞાતિમાં વિવાદ વધી શકે છે.

સુખરામ દાસ બાપુએ વધુમાં જણાવ્યું કે આપણા વાણી-વિલાસથી કોઈ જ્ઞાતિને નીચું જોવું ન પડે તેનું ધ્યાન રાખવું જોઈએ. સાધુ તરીકે તેમણે ચિંતા વ્યક્ત કરી કે આવું ક્યાં સુધી ચાલશે. તેમણે કહ્યું કે ક્ષમા વીરનું આભૂષણ છે. ક્ષમા માંગવામાં નીચું જોવા જેવું કંઈ નથી અને ક્ષમા આપવી તે પણ ધર્મ છે. રાજકારણ તેની જગ્યા પર છે, પરંતુ જાતિ-જ્ઞાતિ ઉપર રાજકારણ રમવામાં આવે તે સાંભળીને બહુ દુઃખ થાય છે.

ઉલ્લેખનિય છે કે નર્મદાના સાગબારાના ખોપી ગામે પુનઃ વન અધિકાર સત્યાગ્રહ સભા યોજાઈ હતી. જેમાં શંકરસિંહ વાઘેલાએ અનામતને લઈને વાણિયા, બ્રાહ્મણ અને પટેલો અંગે નિવેદન કર્યું હતું. જે બાદ સવર્ણો બાપુ સામે આકરા પાણીએ છે.