સત્ય. સાહસ. સંકલ્પ.

જૂનાગઢ: ખાનગી શાળાઓએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર, ફી વધારા સહિત 4 માંગણીઓ

જૂનાગઢ: ખાનગી શાળાઓએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર, ફી વધારા સહિત 4 માંગણીઓ

જૂનાગઢ જિલ્લાના અંદાજે 100 ખાનગી શાળા સંચાલકોએ એકત્ર થઈને જિલ્લા કલેક્ટર અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્ર આપ્યું છે. આ આવેદનપત્રમાં તેમણે ફી વધારો અને RTE હેઠળ ભણતા વિદ્યાર્થીઓની સહાયની રકમ વધારવા સહિતની ચાર મુખ્ય માંગણીઓ રજૂ કરી છે.

શાળા સંચાલકોની પ્રથમ માંગણી છે કે 10 ટકા કરતાં ઓછી ફી વધારવા માટે FRC (ફી રેગ્યુલેશન કમિટી)ની એફિડેવિટ પ્રક્રિયામાંથી શાળાઓને સંપૂર્ણ મુક્તિ આપવામાં આવે. બીજી માંગણીમાં, RTE હેઠળના વિદ્યાર્થીઓની ફી FRCના નક્કી કરેલા ધોરણો મુજબ શાળાઓને ચૂકવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

ત્રીજી માંગણી અનુસાર, શિક્ષણ વિભાગ દ્વારા વારંવાર બહાર પડાતા પરિપત્રોને કારણે વહીવટી મુશ્કેલીઓ વધી રહી છે, તેથી આ હેરાનગતિ દૂર કરવી જોઈએ. ચોથી માંગણીમાં, શાળાઓ પાસેથી વારંવાર માહિતી માંગવાને બદલે માત્ર જૂન મહિનામાં પોર્ટલ મારફતે એક જ વાર માહિતી એકત્રિત કરવામાં આવે અને શાળાઓને સ્વાયત્ત સંસ્થા તરીકે સ્વતંત્ર રીતે કામ કરવા દેવામાં આવે તેવી માંગ કરાઈ છે. સાથે જ, શિક્ષણ અધિનિયમની બહાર જઈને કામ કરનારા તત્વો સામે કડક કાર્યવાહીની પણ માંગણી ઉઠાવવામાં આવી છે.