જૂનાગઢમાં મીરાનગર સહિતના વિસ્તારોના રહીશોએ નવી કલેક્ટર કચેરીથી લઈને બાયપાસ સુધીના વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાની માગ સાથે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું છે. સ્થાનિકોની મુખ્ય માગ છે કે નવી કલેક્ટર કચેરીથી બાયપાસ સુધી, જેમાં ઝાંઝરડા ચોકડીનો વિસ્તાર પણ સામેલ છે, ત્યાં અશાંત ધારો લાગુ કરવામાં આવે.
રહીશોનું કહેવું છે કે મીરાનગરની એક સોસાયટીમાં અન્ય ધર્મના લોકો દ્વારા મકાનોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેને લઈને સ્થાનિક રહેવાસીઓમાં વિરોધ ઉઠ્યો છે. આ અંગેની ફરિયાદ સાથે સોસાયટીના રહેવાસીઓ અને આસપાસના વિસ્તારના લોકોએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું.
રહીશોએ કલેક્ટર, એસપી અને કમિશનરને આવેદનપત્ર આપીને વહેલામાં વહેલી તકે અશાંત ધારો લાગુ કરવાની અપીલ કરી છે. તેમનું કહેવું છે કે આ કાયદો લાગુ થવાથી ભવિષ્યમાં વિસ્તારની શાંતિ ડગલે નહીં અને કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને. આ કાયદો લાગુ થતાં દરેક સમાજના લોકો પોતાના વિસ્તારોમાં સુમેળભર્યું જીવન જીવી શકશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી છે.
આ મુદ્દો જૂનાગઢમાં લાંબા સમયથી ચર્ચામાં છે અને હાલ તેમાં ગરમાવો આવ્યો છે. રહીશોની માગ છે કે સરકાર આ મામલે તાત્કાલિક નિર્ણય લે.