સત્ય. સાહસ. સંકલ્પ.

જૂનાગઢમાં દુષ્કર્મ બાદ યુવતીનું ધર્માંતરણ કરાવાયાનો ઘટસ્ફોટ, ધર્મસ્વાતંત્ર્ય કાયદો લાગુ

જૂનાગઢમાં દુષ્કર્મ બાદ યુવતીનું ધર્માંતરણ કરાવાયાનો ઘટસ્ફોટ, ધર્મસ્વાતંત્ર્ય કાયદો લાગુ

જૂનાગઢમાં એક યુવતી પર દુષ્કર્મ આચર્યા બાદ તેના પિતા-પુત્ર દ્વારા યુવતીનું ધર્માંતરણ કરાવાયાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. પોલીસે યુવતીનું નિવેદન લીધા બાદ આ મામલે ધર્મ સ્વતંત્ર અધિનિયમ-2003ની કલમો ઉમેરી છે, જેને કોર્ટે ગ્રાહ્ય રાખી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, યુવતી એકલી રહેતી હતી અને બીમારીઓથી પીડિત હોવાથી તે સંઘાડીયા બજારમાં આવેલી મોનીસા પીરની દરગાહે જતી હતી. ત્યાં દરગાહના મુંજાવરના પુત્રએ તેને ફસાવી લગ્નની દરખાસ્ત કરી હતી. યુવતીએ ના પાડતાં આરોપીએ માર મારીને છરી વડે હુમલો કરી દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ મારી નાખવાની ધમકી આપી હતી અને ફોટા-વીડિયો ઉતારીને સગા-સંબંધીઓને મોકલી આપવાની ધમકી આપીને વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનું યુવતીએ જણાવ્યું છે. યુવતીએ જ્યારે મુંજાવરને આ અંગે વાત કરી, ત્યારે તેમણે પણ ધમકી આપી હતી. આ મામલે યુવતીએ થોડા દિવસ પહેલા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

યુવતીનું નિવેદન લેવામાં આવતા તેણે જણાવ્યું કે મુંજાવર અને તેના પુત્રએ તેને ઉનાવા, ઉના, જાંબુર અને અજમેરની દરગાહોમાં લઈ જઈ સલામી કરાવી હતી અને તેના ફોટા તથા વીડિયો પણ ઉતાર્યા હતા. પોલીસે આ ફોટા-વીડિયો કબજે કર્યા છે. યુવતીના ઘરેથી પોલીસે લીલા રંગના ઘોડા, દરગાહના ફોટા, નમાજ પઢવા માટેની કલમાની પુસ્તિકા, બુરખો અને નમાજનું આસન કબજે કર્યું છે.

ડીવાયએસપીએ જણાવ્યું કે ધર્માંતરણના આરોપસર મુંજાવર અને તેના પુત્ર સામે ગુજરાત ધર્મસ્વાતંત્ર્ય અધિનિયમ-2003ની કલમો ઉમેરવા માટે કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવ્યો હતો, જે કોર્ટે ગ્રાહ્ય રાખ્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડીવાયએસપીની અધ્યક્ષતામાં ખાસ તપાસ ટીમ (સીટ) રચવામાં આવી છે. આ ટીમ ગુનાના મૂળ સુધી પહોંચવા પુરાવા એકત્ર કરશે અને અન્ય કોઈ આ મામલે સંડોવાયું છે કે કેમ તેમજ બીજી કોઈ યુવતી ધર્માંતરણનો ભોગ બની છે કે કેમ તે અંગે પણ તપાસ કરશે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલાં કોડીનાર પંથકની તરુણીઓને ઉનાવાની દરગાહે લઈ જઈ ધર્માંતરણ કરાયાની ઘટના સામે આવી હતી. હાલ પોલીસે આરોપીઓને પકડી પાડ્યા છે અને તપાસ ચાલુ છે. જૂનાગઢની દરગાહના મુંજાવર અને તેના પુત્ર દ્વારા પણ યુવતીનું ધર્માંતરણ કરાવી ઉનાવાની દરગાહે લઈ જઈ સલામી કરાવાઈ હોવાનું સામે આવતાં ઉનાવાની દરગાહ ફરી એકવાર ચર્ચામાં આવી છે અને ઘણા સવાલો ઉઠી રહ્યા છે.