જૂનાગઢ શહેરમાં એક દિવસના વિરામ બાદ ફરી વરસાદ પડ્યો છે. બપોર પછી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. કાળવા ચોક, બસ સ્ટેશન અને ભવનાથ સહિતના વિસ્તારોમાં ઝાપટાં પડ્યાં હતાં. શહેરના અન્ય ભાગોમાં પણ છૂટાછવાયો વરસાદ નોંધાયો હતો.
વરસાદને કારણે કેટલાક રસ્તાઓ પર પાણી ભરાયું હતું. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. જોકે, વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
જૂનાગઢ પંથકમાં ફરી વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. ખેતી માટે વરસાદ મહત્ત્વનો હોવાથી ખેડૂતોને રાહત થઈ છે.
હવામાન વિભાગની આગાહી મુજબ જૂનાગઢ પંથકમાં હજુ ભારે વરસાદની શક્યતા છે. આગામી દિવસોમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ ચાલુ રહે તેવી શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાંથી ચોમાસું હવે વિદાય તરફ આગળ વધી રહ્યું છે. આગામી 3-4 દિવસમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ શકે છે. જેથી વરસાદની ગતિવિધિમાં ધીમે ધીમે ઘટાડો થઈ શકે છે. હાલમાં લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. તેની અસરથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી બે દિવસ પવન સાથે વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પવન સાથે વરસાદની શક્યતા છે.