જૂનાગઢ જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ 30 સપ્ટેમ્બરે આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા અને મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. જિલ્લાના માળીયા હાટીના, કેશોદ તેમજ વિસાવદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસતા ચારેય બાજુ પાણી પાણી થઈ ગયું હતું.
માળીયા હાટીના પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદની શરૂઆત થતાં ગીર વિસ્તારમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. ખાસ કરીને અમરાપુર, તરસિંગડા, વિરડી અને માતરવાણીયા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. આ પંથકમાં ક્યાંક હળવા ઝાપટાં તો ક્યાંક એક ઇંચ જેટલો સારો વરસાદ વરસી ગયો છે. આ વરસાદને કારણે ખેતરોમાં પૂરતો ભેજ મળતાં મુરઝાતા પાકને નવજીવન મળ્યું છે. મગફળી, સોયાબીન અને કપાસ જેવા મહત્વના ઉભા પાકોને આ વરસાદથી ફાયદો થવાની આશા બંધાઈ છે, જેને લઈને ખેડૂતોમાં રાહત જોવા મળી રહી છે.
આ ઉપરાંત કેશોદ ગ્રામ્ય પંથકમાં પણ સારો વરસાદ પડ્યો છે. કેશોદના અજાબ, શેરગઢ તેમજ આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. લાંબા સમયથી વરસાદ ન આવવાને કારણે ચિંતામાં મુકાયેલા આ વિસ્તારના ખેડૂતો માટે આ વરસાદ રાહતરૂપ સાબિત થયો છે. વરસાદના આગમનને પગલે વાતાવરણ એકદમ આહ્લાદક બની ગયું છે અને બફારામાંથી લોકોને મોટી રાહત મળી છે. ખેતરોમાં ઉભા પાકને સમયસર પાણી મળવાથી પાકનો વિકાસ સારો થશે તેવી આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.
વિસાવદર પંથકમાંથી પણ સારા સમાચાર સામે આવ્યા છે. પિયાવા, સતાધાર, સરસાઈ, મોણીયા અને કાલસારી સહિત આજુબાજુના તમામ ગામડાઓમાં સારો વરસાદ પડ્યો છે. ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ યથાવત રહેતા ખેતરોમાં ખુશીનું વાતાવરણ છવાયું છે. વરસાદ ખેંચાવાના કારણે જે ખેડૂતો ચિંતામાં ડૂબેલા હતા, તેમના માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે. જો આગામી દિવસોમાં પણ આ જ રીતે વરસાદી માહોલ યથાવત રહેશે તો ખેડૂતોના પાકને સારો એવો ફાયદો થશે અને સારી ઉપજ મળવાની પૂરી સંભાવનાઓ છે.