જુનાગઢ શહેરમાં રસ્તાઓ પર ઠેરઠેર ખાડા અને રખડતા ઢોરની સમસ્યા વધી છે. શહેરને સ્માર્ટ સિટી બનાવવાના મનપાના દાવા વચ્ચે રસ્તાની વચ્ચે અડીંગો જમાવીને બેસેલા ઢોરને કારણે અકસ્માતની ઘટનાઓ પણ વધી રહી છે.
શહેરના મોતીબગ વિસ્તાર, ઝાંઝરડા રોડ, મધુરમ અને ગિરનાર દરવાજા પાસે મોટી સંખ્યામાં ઢોર રસ્તા પર બેસી રહે છે. સ્કૂલે જતા બાળકો, વૃદ્ધો અને રાહદારીઓ અનેકવાર અકસ્માતનો ભોગ બન્યા છે. બીજી તરફ શહેરના અનેક રસ્તાઓ પર થયેલા ખોદકામને કારણે લોકોને ભારે હાલાકી સહન કરવી પડી રહી છે. દિવાળી અને લગ્નસરાની સીઝનમાં બજારમાં લોકોની અવરજવર વધતાં આ સમસ્યા વધુ ઉભરી આવી છે.
વિપક્ષ કોંગ્રેસે શાસક પક્ષની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. મનપાના વિપક્ષ નેતાએ જણાવ્યું કે બજેટમાં પશુ નિભાવ માટે લગભગ 5 કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે અને રખડતા ઢોરને ગૌશાળામાં મોકલવાના હોય છે. પરંતુ યોગ્ય કાર્યવાહી ન થતાં નાગરિકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે એમ તેમણે આક્ષેપ કર્યો છે.
શાસક પક્ષે આ આક્ષેપોને ફગાવી દીધા છે. મનપા તરફથી જણાવવામાં આવ્યું કે એપ્રિલથી ઓક્ટોબર સુધીમાં 1,100 ગૌવંશ પકડવામાં આવ્યા છે, જેમાંથી 401 ગૌવંશને જિલ્લાની વિવિધ ગૌશાળામાં મોકલવામાં આવ્યા છે. આગામી દિવસોમાં ચોબારીમાં અદ્યતન ગૌશાળા બનાવવાની કામગીરી ચાલી રહી છે અને તે પૂર્ણ થયા બાદ ઢોરની સમસ્યા હલ થશે એવો દાવો પણ તેમણે કર્યો છે.