જૂનાગઢ જિલ્લાના મેંદરડા વિસ્તારમાંથી ગંભીર ઘટના સામે આવી છે. નાગલપુર તાલુકા પંચાયતના સભ્ય સુભાષ કાળુભાઈ ભાદરકા સામે 16 વર્ષની સગીરા સાથે બળાત્કાર કરવાનો આરોપ છે. પીડિતાની માતાએ મેંદરડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
ફરિયાદ અનુસાર, આરોપી છેલ્લા કેટલાક સમયથી સગીરાને ફોન અને મેસેજ કરતો હતો. આશરે ચાર મહિના પહેલા, પિતા ઘરે ન હતા ત્યારે રાત્રે તે ઘરમાં ઘૂસી આવ્યો અને સગીરાની મરજી વિરુદ્ધ બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. બાદમાં તેણે સગીરાને ધમકી આપી હતી કે જો તેણે આ વાત કોઈને કહી તો તેને જાનથી મારી નાખશે.
દીકરીએ આ વાત માતાને જણાવતા માતાએ હિંમત કરીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી છે. તેની સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે તપાસ શરૂ કરી છે.
આ ઘટના બાદ નાગલપુર અને મેંદરડા વિસ્તારમાં આક્રોશ છે. સ્થાનિક લોકો પીડિતાને ન્યાય અપાવવાની માંગ કરી રહ્યા છે.