જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના દેડકીયાળી ગામમાં 6 વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો, જેમાં તેનું મોત થયું છે. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, દેડકીયાળી ગામમાં પોતાના ઘરના ફળિયામાં રમી રહેલી પ્રિસા અશોકભાઈ સોલંકી પર દીપડાએ અચાનક હુમલો કર્યો અને તેને ઉઠાવી ગયો. પરિવારજનો અને ગ્રામજનોમાં દોડધામ મચી ગઈ. બાળકીનું મોત થયાના સમાચારથી પરિવાર પર શોકનો આભ તૂટી પડ્યો છે.
ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે. દીપડાને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્થાનિક લોકોએ વન વિભાગને અગાઉ જાણ કરવા છતાં સમયસર કાર્યવાહી ન થયાનો આક્ષેપ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગત જુલાઈમાં જૂનાગઢના ગિરનાર પર્વત પર 12 વર્ષના કિશોર પર સિંહે હુમલો કર્યો હતો, જેમાં તેનું પણ મોત થયું હતું. આ ઘટનાઓએ વન્યજીવોના હુમલા અંગે ચિંતા વધારી છે.