સત્ય. સાહસ. સંકલ્પ.

જૂનાગઢના મેંદરડામાં દીપડાના હુમલામાં 5 વર્ષની બાળકીનું મોત, પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર

જૂનાગઢના મેંદરડામાં દીપડાના હુમલામાં 5 વર્ષની બાળકીનું મોત, પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર

જૂનાગઢ જિલ્લામાં સિંહના આતંક વચ્ચે હવે દીપડાના હુમલાની ઘટના સામે આવી છે. મેંદરડા તાલુકાના ડેડકિયાળ ગામમાં 23 સપ્ટેમ્બરે રાત્રે દીપડાએ પાંચ વર્ષની બાળકી પ્રિશા પર હુમલો કર્યો, જેમાં તેનું મોત થયું છે. બાળકી થોભણભાઈ કોરાટની વાડીમાં ભાગીયા તરીકે રહેતા પરિવારની દીકરી હતી.

મૃતકના કાકા કેતનભાઈ સોલંકીએ જણાવ્યું કે, "વાડીમાં ઘરની સામે જ મારા ભાઈની છોકરી રમી રહી હતી. ત્યારે દીપડો તેને ઉપાડીને ભાગી ગયો. ગામના લોકોએ શોધખોળ કરતાં આશરે બે કલાક બાદ દીકરીની લાશ મળી આવી." તેમણે વધુમાં કહ્યું કે, "અમારે ન્યાય જોઈએ છે. પહેલા દીપડાને પકડવામાં આવે, ત્યારે જ બાળકીની લાશ સ્વીકારીશું. સરકાર 25 લાખ રૂપિયાની સહાય આપે તેવી માંગ છે."

ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમો સક્રિય થઈ ગઈ છે. ડેડકિયાળ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર એચ.ડી. ગળચરે જણાવ્યું કે, દીપડાને પકડવા માટે 10 પાંજરા ગોઠવવામાં આવ્યા છે અને 30થી 35 વન વિભાગના કર્મચારીઓ કામગીરી કરી રહ્યા છે. દેવળિયા રેન્જને જાણ કર્યા બાદ આસપાસની ચારેય રેન્જનો સ્ટાફ બોલાવવામાં આવ્યો છે.

જોકે, સ્થાનિક ગ્રામજનોએ વન વિભાગ પર મોડું પહોંચવાનો આક્ષેપ કર્યો છે. તેમનું કહેવું છે કે, ઘટનાની જાણ કરવા છતાં વન વિભાગની ટીમ બે કલાક બાદ સ્થળે પહોંચી. બાળકીના મોતને પગલે ગામમાં રોષ છે. જોકે, એચ.ડી. ગળચરે આ આક્ષેપો ફગાવતાં કહ્યું કે, સ્ટાફ અગાઉથી જ હાજર હતો અને શોધખોળમાં લાગેલો હતો. તેમણે પરિવારજનોને વળતર અને પોસ્ટમોર્ટમની પ્રક્રિયામાં સહકાર આપવા અપીલ કરી.

ઉલ્લેખનીય છે કે, વન વિભાગના 2023ના રાજ્યવ્યાપી અંદાજ મુજબ ગુજરાતમાં 2,294 દીપડા નોંધાયા છે, જ્યારે હાલમાં તેમની સંખ્યા આશરે 2,600 જેટલી હોવાનું અધિકારીઓ માને છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, બોટાદ અને પાટણ જિલ્લામાં દીપડાની વસ્તી નથી. જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ દીપડા જોવા મળે છે, જે માનવ-વન્યજીવ સંઘર્ષનું કારણ બની રહ્યું છે.