સત્ય. સાહસ. સંકલ્પ.

જૂનાગઢના મેંદરડામાં દીપડાનો હુમલો: દિવાળીની રાત્રે 8 વર્ષના બાળકનું મોત, બે દિવસમાં બીજી ઘટના

જૂનાગઢના મેંદરડામાં દીપડાનો હુમલો: દિવાળીની રાત્રે 8 વર્ષના બાળકનું મોત, બે દિવસમાં બીજી ઘટના

જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના દાત્રાણા ગામે દિવાળીની રાત્રે દીપડાએ 8 વર્ષના બાળક પર હુમલો કર્યો હતો, જેમાં બાળકનું મોત થયું છે. મૃતક બાળકનું નામ દિવરાજ હોવાનું જાણવા મળે છે.

ગામની સીમમાં આવેલા ખેતરના મકાન પાસે દિવરાજ રમી રહ્યો હતો ત્યારે દીપડાએ અચાનક તેના પર હુમલો કર્યો. બાળક પર હુમલો થતાં જ તેના પિતા તેને બચાવવા દીપડા પાછળ દોડ્યા હતા, પરંતુ બાળકને બચાવી શક્યા નહીં. દીપડો બાળકને લઈને આશરે 100 ફૂટ દૂર આવેલા ખાડામાં બેસી ગયો હતો. બાળકના ગળાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. દિવાળીના તહેવાર દરમિયાન બનેલી આ ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

બાળક પર હુમલો કર્યા બાદ ભાગી રહેલો દીપડો રસ્તા પરથી પસાર થઈ રહેલી એક બાઈક સાથે અથડાયો હતો. આ અકસ્માતમાં બાઈક પર સવાર દંપતી પણ ઈજાગ્રસ્ત થયું હતું, જેમાં પત્નીને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળે છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વન વિભાગની ટીમે દાત્રાણા ગામની સીમમાં દીપડાને પકડવા માટે ચારથી પાંચ પાંજરા ગોઠવ્યા છે. સતત બનતી આવી ઘટનાઓ અને વન્ય પ્રાણીઓના વધતા જોખમને કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ છે અને વન વિભાગ સામે રોષ પણ વ્યક્ત થઈ રહ્યો છે.

આ પહેલાં 7 નવેમ્બરે અમરેલી જિલ્લામાં સણોસરા અને મોટા ભંડારીયા ગામ વચ્ચે દીપડાએ 7 વર્ષના બાળકનો શિકાર કર્યો હતો. સણોસરા ગામની સીમમાં આવેલા એક ખેતરમાં 20થી વધુ મજૂરો કપાસ વીણતા હતા. તે દરમિયાન પાણી પીવા જઈ રહેલા બે બાળકોમાંથી એક પર દીપડાએ હુમલો કર્યો હતો, જ્યારે બીજું બાળક ભાગી જવામાં સફળ રહ્યું હતું. લોકો દોડી આવ્યા બાદ 30 મિનિટથી વધુની શોધખોળમાં બાળકના અડધા અંગો મળી આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં ગીર સોમનાથ જિલ્લાના વલાદર ગામે એક યુવક પોતાના ઘરની બહાર સૂતો હતો ત્યારે સિંહણે તેના પર હુમલો કરી તેને ઘસડીને લઈ જવામાં આવ્યો હતો. ઘરથી બે કિલોમીટર દૂર યુવકની લાશ મળી આવી હતી.