સત્ય. સાહસ. સંકલ્પ.

જૂનાગઢમાં 42 વર્ષથી પુરુષો કરે છે ઘરની મહિલાઓનું પૂજન, લક્ષ્મી માની માગે છે માફી

જૂનાગઢમાં 42 વર્ષથી પુરુષો કરે છે ઘરની મહિલાઓનું પૂજન, લક્ષ્મી માની માગે છે માફી

દિવાળી પર દેશભરમાં મૂર્તિ પૂજન અને ચોપડા પૂજન થાય છે. પણ જૂનાગઢના કોટેચા પરિવારમાં છેલ્લા 42 વર્ષથી એક અલગ પરંપરા ચાલે છે. આ પરિવારમાં દિવાળીના દિવસે ઘરની માતા, પત્ની, પુત્રવધૂ અને દીકરીઓનું પૂજન કરવામાં આવે છે. તેમને સાક્ષાત લક્ષ્મી માનીને પગે લાગવામાં આવે છે, આરતી ઉતારવામાં આવે છે.

જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ જણાવ્યું કે, તેમના સ્વર્ગસ્થ માતાએ 42 વર્ષ પહેલાં આ પરંપરાની શરૂઆત કરી હતી. તેમણે શીખવ્યું હતું કે જે ઘરમાં વહુ કે સ્ત્રીઓ રાજી અને ખુશ રહે, તે ઘરમાં ક્યારેય મોટી તકલીફ પડતી નથી. આજે કુટુંબ ઘણું મોટું થઈ ગયું છે, તો પણ પરિવારનો દરેક દીકરો પોતાની પત્ની અને પુત્રવધૂનું પૂજન કરે છે. તેમને પગે લાગે છે, આરતી ઉતારે છે અને વર્ષ દરમિયાન થયેલી નાની-મોટી ભૂલ માટે માફી માગે છે. ગિરીશ કોટેચાએ કહ્યું કે ઘરની શાંતિ એ જ સૌથી મોટી મૂડી છે. જે ઘરની દીકરી કે વહુ પ્રસન્ન રહે, તેને હંમેશાં દીકરી સમાન ગણવી જોઈએ.

ગિરીશ કોટેચાના પત્ની ગીતાબેન કોટેચાએ જણાવ્યું કે, પરિવારમાં માત્ર મૂર્તિ પૂજા જ નહીં, પણ ઘરની અસલી લક્ષ્મી ગણાતી સાસુ, વહુ અને દીકરીઓ સાથે બેસીને પુરુષો તેમનું સન્માન અને પૂજન કરે છે. ત્યારબાદ બધા સાથે મળીને ભોજન કરે છે, ફટાકડા ફોડે છે અને દીવડા પ્રગટાવીને દિવાળી ઉજવે છે.

ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાએ કહ્યું કે, ઘરની મહિલાઓને જ લક્ષ્મી સ્વરૂપ માનીને તેમનું પૂજન કરવામાં આવે છે. તેમણે જણાવ્યું કે તેઓ પોતે પત્ની અને દીકરીનું પૂજન કરે છે. દાદીમાએ શરૂ કરેલી આ પરંપરા પરિવારની સુખ-શાંતિ તથા આવનારા વર્ષોની ઉન્નતિનું રહસ્ય હોવાનું તેમણે જણાવ્યું.

પરિવારની પુત્રવધૂ ચાંદની કોટેચાએ કહ્યું કે, દિવાળીએ લોકો ધંધા-રોજગારમાં ચોપડા પૂજન અને લક્ષ્મી પૂજન કરે છે. પણ આ ઘરમાં દાદીજીના સમયથી ચાલતી પરંપરા મુજબ વહુ-દીકરીઓ હસતી-રમતી રહે તો જ ઘરમાં સાચી લક્ષ્મીનો વાસ થાય છે, એ માન્યતા સાથે દિવાળીની સવારે તેમનું પૂજન થાય છે. આ સન્માનથી તેમને ગર્વની લાગણી થાય છે.