સત્ય. સાહસ. સંકલ્પ.

વંથલીના ખોરાસામાં નંદોત્સવ-લઠ ઉત્સવ: 30 ફૂટના લપસણા સ્તંભ પર મટકી ફોડ

વંથલીના ખોરાસામાં નંદોત્સવ-લઠ ઉત્સવ: 30 ફૂટના લપસણા સ્તંભ પર મટકી ફોડ

જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ખોરાસા ગામમાં નંદોત્સવ-લઠ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. 131 વર્ષ જૂના ભગવાન વેંકટેશ દેવસ્થાને યોજાયેલા આ ઉત્સવમાં સમગ્ર ગામ ગોકુળિયું બની ગયું હતું અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.

આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો તેમજ આસપાસના ગામોમાંથી આવેલા શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ઉત્સવનું મુખ્ય આકર્ષણ 30 ફૂટ ઊંચા લપસણા સ્તંભ પર મટકી ફોડવાની સ્પર્ધા રહી હતી.

સ્તંભને મોટા પાણીના કુંડ વચ્ચે માખણ, ગ્રીસ અને ભીંડીના પાણીથી અત્યંત લપસણો બનાવવામાં આવ્યો હતો. સ્પર્ધામાં 11 યુવાનો સ્તંભ પર ચઢવાનો પ્રયાસ કરે છે, જ્યારે અન્ય 22 યુવાનો તેમના પર પાણી ફેંકીને તેમને અટકાવવાનો પ્રયાસ કરે છે. લગભગ દોઢ કલાક સુધી ચાલેલી આ હરીફાઈમાં આખરે ચઢવાનો પ્રયાસ કરનારા યુવાનો વિજેતા બન્યા હતા.

આ યુવાનોએ ભારે મથામણ બાદ મટકી ફોડીને વિજેતા બનવાનો આનંદ માણ્યો હતો. વિજેતાઓનું ઉત્સવ સમિતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રકારની લોકપરંપરાગત ઉજવણી ગ્રામીણ સંસ્કૃતિને જીવંત રાખે છે.