જૂનાગઢ શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા સમયની ગરમી બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. વીજળીના કડાકા અને ગાજવીજ સાથે થયેલા અનરાધાર વરસાદને કારણે અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે.
જૂનાગઢ શહેર અને ગિરનાર પર્વત પર પડેલા ભારે વરસાદથી કુદરતી સૌંદર્ય ખીલી ઊઠ્યું છે. ગિરનારની પહાડીઓ પરથી ધોધ અને ઝરણાં વહેતાં થયાં છે. ઉપરવાસના વરસાદને કારણે દામોદર કુંડમાં નવા નીરની આવક થઈ છે. દામોદર કુંડની સામે આવેલા ઝરણાંમાં ધોધ વહેતાં ભવનાથની મજા માણવા લોકો આવી રહ્યા છે.
જૂનાગઢ શહેરમાં બપોર પછી તૂટી પડેલા વરસાદને લીધે ઝાંઝરડા તરફ જતું રેલવે ગરનાળું પાણીમાં ગરકાવ થઈ ગયું હતું, જેથી વાહનવ્યવહાર બંધ કરવો પડ્યો હતો.
તાલુકા મથકોમાં જૂનાગઢ શહેર અને કેશોદમાં દોઢ ઇંચ, જ્યારે માણાવદર અને વિસાવદરમાં એક-એક ઇંચ વરસાદ નોંધાયો છે. કેશોદ ઉપરાંત પીપળી અને બામણાસા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ જળબંબાકાર થયા છે અને ખેતરોમાં પાણી ચાલતાં થયાં છે. વંથલી પંથકના શાપુર, સાંતલપુર અને બંટીયા ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. માળિયા-હાટીના અને તેની આસપાસના ખંભાળિયા, ખોડાદા, કુકસવાડા અને આરેણા સહિતના ગામોમાં પણ સારો વરસાદ થયો છે.
લાંબા સમયની રાહ બાદ વરસેલો આ વરસાદ ઊભા ખેતીપાક માટે સંજીવની સમાન સાબિત થતાં ખેડૂતોમાં ખુશી અને રાહતની લાગણી છવાઈ ગઈ છે.