જુનાગઢ જિલ્લામાં આ વર્ષે વરસાદ અત્યંત ઓછો થવાને કારણે મગફળીના ખેડૂતોને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. જે ખેડૂતો પાસે પાણીના સ્રોત છે તેમણે વહેલું વાવેતર કર્યું હતું અને પાક ઉપાડવાની શરૂઆત કરી છે. પરંતુ જે ખેડૂતો પાસે પાણીની સુવિધા નથી તેમને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે.
ઓછા વરસાદને કારણે મગફળીનું ઉત્પાદન ઘટ્યું છે. અગાઉ જે ખેડૂતોને એક વીઘા જમીનમાં 20થી 25 મણનો ઉતારો આવતો હતો, તેમને આ વર્ષે ફક્ત 15 મણનો ઉતારો આવ્યો છે. ઉત્પાદન ઘટવાને કારણે ખેડૂતોને મોટી ખોટ થઈ છે.
જોકે, APMC માં ખુલ્લી હરાજીમાં ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે, જેથી ખેડૂતો મગફળી વેચવા લાગ્યા છે. હાલ ખેડૂતોને મણ મગફળીના 1,200થી 1,700 રૂપિયા સુધીના ભાવ મળે છે. ખેડૂતોનું કહેવું છે કે બજાર ભાવ સારા મળી રહ્યા છે, પરંતુ ઉતારો નથી. ગત વર્ષની સરખામણીએ 50% ઉત્પાદન ઘટી ગયું છે. ભાવ વધારે છે, પણ સામે નુકસાની પણ વધારે છે.
ખેડૂતોના જણાવ્યા અનુસાર મોંઘવારીને કારણે જંતુનાશકો, પાણી અને મજૂરીના ભાવ પણ વધી ગયા છે, જેથી તેમને પાછળ કંઈ બચતું નથી. ખેડૂતોએ હવે સરકાર તરફ સહાયની અપેક્ષા રાખી છે.
માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીના જણાવ્યા અનુસાર હાલ મગફળીની બજાર ખૂબ સારી છે. 66 નંબરની મગફળીના 2,000 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે, જ્યારે 20, 22, 30, 32, 37 અને 39 નંબરની જાતની મગફળીના ગુણવત્તા અને વેરાયટી મુજબ 1,200થી 1,500 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે.