સત્ય. સાહસ. સંકલ્પ.

જૂનાગઢના મગફળી સંશોધન કેન્દ્રની નવી જાતો 'ગિરનાર 4' અને 'ગિરનાર 5': ઓછા પાણીમાં વધુ ઉત્પાદન અને હૃદય માટે ફાયદાકારક તેલ

જૂનાગઢના મગફળી સંશોધન કેન્દ્રની નવી જાતો 'ગિરનાર 4' અને 'ગિરનાર 5': ઓછા પાણીમાં વધુ ઉત્પાદન અને હૃદય માટે ફાયદાકારક તેલ

જૂનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર દ્વારા મગફળીની બે નવી જાતો – 'ગિરનાર 4' અને 'ગિરનાર 5' – વિકસાવવામાં આવી છે. આ જાતો ખેડૂતો માટે આર્થિક રીતે ફાયદાકારક સાબિત થઈ રહી છે. સામાન્ય મગફળીની સરખામણીએ આ પાકમાં હેક્ટર દીઠ 35 થી 45 મણ સુધીનું ઉત્પાદન મળી શકે છે.

આ જાતોની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં આવી છે, જેથી પાકને રોગ અને જીવાત ઓછી લાગે છે. ઉપરાંત, આ પાક ઓછા પાણીમાં પણ સારું ઉત્પાદન આપે છે, જેનાથી ખેડૂતોની પાણીની ચિંતા ઘટશે. પાક તૈયાર થયા પછી પશુઓ માટે પૌષ્ટિક લીલો ચારો પણ વિપુલ માત્રામાં મળે છે.

આ મગફળીના તેલમાં 'ઓલેઈક એસિડ'નું પ્રમાણ 60 ટકાથી વધીને 80 ટકા સુધી પહોંચ્યું છે. આ કારણે આ તેલ હૃદયરોગના દર્દીઓ માટે ફાયદાકારક મનાય છે. બજારમાં મળતા મોંઘા ઓલિવ ઓઈલનો આ એક સસ્તો વિકલ્પ છે, જે લગભગ 250 થી 300 રૂપિયા પ્રતિ લીટરમાં મળી શકે તેવી ધારણા છે. આ તેલ લાંબા સમય સુધી તાજું રહે છે અને 4 થી 5 વાર વાપર્યા પછી પણ તેની ગુણવત્તા જળવાઈ રહે છે.

તાજેતરમાં યોજાયેલા કૃષિ સેમિનારમાં બિયારણ પ્રદર્શન સ્ટોલ પર ખેડૂતોને આ જાતો વિશે માહિતી આપવામાં આવી હતી, જેને સારો પ્રતિસાદ મળ્યો હતો. જૂનાગઢના વૈજ્ઞાનિકોનું આ સંશોધન ખેડૂતોની આવક વધારવા ઉપરાંત સામાન્ય લોકોના સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી ગણાય છે.