જૂનાગઢમાં 20 નવેમ્બરથી શરૂ થતી ગિરનારની લીલી પરિક્રમા પહેલા ઈકો-સેન્સિટિવ ઝોનમાં વેચાતી પાણીની બોટલો અંગે વહીવટી તંત્રની બેદરકારી સામે આવી છે. આ વર્ષે વરસાદ ઓછો પડ્યો છે, તેથી 36 કિલોમીટરના પરિક્રમા રૂટ પર પાણીની અછતની શક્યતા છે.
પ્રશાસને પરિક્રમા અને ભવનાથ ક્ષેત્રમાં પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકીને માત્ર ઈકો ફ્રેન્ડલી 'ગીર નીર' નામની પ્લાન્ટ-બેઝ્ડ કમ્પોસ્ટેબલ બોટલને જ મંજૂરી આપી છે. પરંતુ આ બોટલમાં એક્સપાયર થયેલું પાણી વેચવાનું કારસ્તાન સામે આવ્યું છે. દિવ્ય ભાસ્કરના અહેવાલથી આ બાબત ધ્યાનમાં આવતાં અધિક કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે.
ભવનાથની દુકાનો, આશ્રમો અને સંસ્થાઓમાં 'ગીર ગ્રીન ગ્લોબલ / માનસી બોટલિંગ' દ્વારા ઉત્પાદિત લાખો બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. દિવ્ય ભાસ્કરની ટીમે ભવનાથમાં દુકાન પર ધૂમ વેચાતી આ બોટલની વિગતો ચકાસી હતી.
એક દુકાનમાં ફ્રીઝમાં રાખેલી બોટલ પર ઉત્પાદન તારીખ (MFD) 3 નવેમ્બર 2026 અને એક્સપાયરી ડેટ (EXP) 2 મે 2026 એટલે કે ઉત્પાદન પહેલાંની જ એક્સપાયરી ડેટ દર્શાવવામાં આવી હતી. એટલે કે એક્સપાયરી ડેટનો મહિનો ક્યારનો વીતી ગયો છે.
બોટલ પર 'હું કમ્પોસ્ટેબલ છું' લખ્યું છે, પરંતુ તે કેટલા દિવસમાં ઓગળશે કે તેનો નિકાલ કેવી રીતે કરવો તેની કોઈ સૂચના નથી. બોટલ પર પાણીના સ્રોત (બોરવેલ કે મ્યુનિસિપલ સપ્લાય) અને શુદ્ધિકરણની પ્રક્રિયા (RO, UV, ઓઝોનેશન)નો કોઈ ઉલ્લેખ નથી. ઉત્પાદનકર્તાનું સરનામું પણ નથી, માત્ર ગીર ગ્રીન ગ્લોબલ અને માનસી બોટલિંગ લખ્યું છે. બોટલ પરનો QR કોડ સ્કેન કરતાં કોઈ વિગતો મળી નથી.
આ બોટલો 30 રૂપિયાના ઊંચા ભાવે વેચાતી હોવાનું જાણવા મળ્યું છે. આમ FSSAI અને ગ્રાહક સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન થયું છે.
અગાઉ જાગૃત નાગરિકોએ જૂનાગઢ પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી પ્રતિબંધની માંગ કરી હતી, છતાં કોઈ નક્કર પગલાં લેવાયા નથી.
જૂનાગઢની મુલાકાતે આવેલા પ્રવાસી નીલેશ પ્રજાપતિએ જણાવ્યું કે, સરકાર દ્વારા પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોવા છતાં અહીં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકની બોટલો વેચાઈ રહી છે. આ બોટલોમાં રહેલું પાણી સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે અને ઘણી બોટલોમાં ઉત્પાદનની તારીખ પણ નથી. બજાર કરતાં આ બોટલોના ભાવ પણ વધુ વસૂલવામાં આવે છે.
જૂનાગઢ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર બી.એસ. બારડે જણાવ્યું કે, આ બાબત ધ્યાને આવતાં જ તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. પરિક્રમામાં કોઈપણ પ્રકારની પ્લાસ્ટિકની બોટલો લઈ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં. પ્લાસ્ટિકની બોટલ પર પ્રતિબંધ અને દંડની કાર્યવાહી કરાશે.