સત્ય. સાહસ. સંકલ્પ.

જૂનાગઢમાં દિવાળી પહેલાં નકલી ઘીનો પર્દાફાશ: સોયાબીન તેલમાંથી બનાવી 600 રૂપિયે કિલો વેચાતું 'ગીર ગાયનું ઘી'

જૂનાગઢમાં દિવાળી પહેલાં નકલી ઘીનો પર્દાફાશ: સોયાબીન તેલમાંથી બનાવી 600 રૂપિયે કિલો વેચાતું 'ગીર ગાયનું ઘી'

જૂનાગઢમાં દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા નકલી ઘીના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. જૂનાગઢ એસઓજી (SOG)એ માર્કેટિંગ યાર્ડ નજીક દુકાન નંબર-15, કૃષ્ણા ઇન્ડસ્ટ્રીઝમાં દરોડો પાડીને આ ગોરખધંધો ઉજાગર કર્યો છે. આરોપી બી. કમલેશ સોઢા છેલ્લા 4-5 વર્ષથી દિવેલાના વેપારની આડમાં સોયાબીન તેલ, દિવેલું તેલ, કૃત્રિમ ઘી ફ્લેવર અને વિવિધ કેમિકલો ભેળવીને નકલી દેશી ઘી તૈયાર કરતો હતો અને તેને 'ગીર ગાયનું શુદ્ધ ઘી' તેમજ જાણીતી બ્રાન્ડ્સના નામે 600 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચતો હતો.

એસઓજીની ટીમે દરોડા દરમિયાન કારખાનામાંથી મોટા પ્રમાણમાં નકલી ઘીના ડબ્બા, આઠથી વધુ જાણીતી બ્રાન્ડના ડબ્બા, નામાંકિત કંપનીઓના બનાવટી લોગોવાળા સ્ટીકરો અને ઘીની સુગંધ આપતી એસેન્સની બોટલો કબજે કરી છે. આ ઉપરાંત લાખો રૂપિયાની કિંમતનો શંકાસ્પદ ઘીનો જથ્થો, રો મટિરિયલ્સ અને સાધન-સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે. ઘટનાસ્થળે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને બોલાવવામાં આવી હતી અને તમામ નમૂનાઓને સીલ કરીને વડોદરા સ્થિત સરકારી લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.

ફૂડ વિભાગના અધિકારી ચિંતન ત્રિવેદીએ જણાવ્યું કે, સ્થળ પરથી મળેલો શંકાસ્પદ ઘીનો સમગ્ર જથ્થો સીઝ કરી લેવામાં આવ્યો છે. આગામી 14 દિવસમાં લેબોરેટરીનો સત્તાવાર રિપોર્ટ આવશે, જેમાં ભેળસેળનું પ્રમાણ સ્પષ્ટ થશે. રિપોર્ટના આધારે કસૂરવારો સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ ઘટના સામે સ્થાનિક ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની નિષ્ક્રિયતા પર લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. નિયમિત તપાસ કરીને આવા ગોરખધંધા અટકાવવાની જવાબદારી ફૂડ વિભાગની હોવા છતાં, પોલીસે આ કામગીરી કરવી પડી. આ પહેલાં પણ આરોપી બે વાર શંકાસ્પદ ઘી બનાવતો ઝડપાયો હતો, પરંતુ કડક કાર્યવાહી ન થઈ હોવાથી તે ફરી ધંધો ચાલુ રાખી શક્યો. હવે પોલીસ આ મામલે શું પગલાં લે છે તે જોવાનું રહેશે.

નકલી ઘી આરોગ્ય માટે ખૂબ જ હાનિકારક છે. તેમાં હાનિકારક કોલેસ્ટ્રોલ વધારે હોવાથી હૃદયરોગનું જોખમ વધે છે. કૃત્રિમ પદાર્થો પચવામાં ભારે હોવાથી પેટમાં બળતરા, અપચો, ગેસ અને લિવરને નુકસાન થઈ શકે છે. ભેળસેળયુક્ત પદાર્થો ખાવાથી રોગપ્રતિકારક શક્તિ ઘટે છે અને શરીરમાં ઝેરી તત્વો જમા થાય છે, જે બાળકો અને વૃદ્ધો માટે વધુ જોખમી છે. સસ્તા કેમિકલ્સ અને હાનિકારક ફ્લેવર્સ કોષોને નુકસાન પહોંચાડે છે, જે કેન્સરનું કારણ પણ બની શકે છે.

આ પહેલાં સુરતના ઉત્રાણમાંથી ગત 11 ઓક્ટોબરે 900 કિલો ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, જે લેબોરેટરી ટેસ્ટમાં નકલી નીકળ્યો હતો. 'સાહસ શુદ્ધ ગાયનું ઘી' નામે આ ડુપ્લિકેટ ઘી માત્ર 300 રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યું હતું. તહેવારોની સિઝનમાં આવા કૌભાંડો સામે ગ્રાહકોએ સતર્ક રહેવાની જરૂર છે.