જૂનાગઢ શહેરમાં નકલી ઘી બનાવવાની ફેક્ટરી પર પોલીસે દરોડો પાડ્યો છે. શહેરના માર્કેટિંગ યાર્ડ વિસ્તાર પાસે આવેલી 'જય ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ' નામની જગ્યાએ ગેરકાયદેસર રીતે ઘી બનાવવામાં આવી રહ્યું હોવાની માહિતી મળતાં જૂનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ ઓચિંતો દરોડો પાડ્યો હતો.
પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે આ ફેક્ટરીમાં હલકી કક્ષાની સામગ્રી અને વિવિધ કેમિકલનો ઉપયોગ કરીને મોટા પાયે નકલી ઘી તૈયાર કરવામાં આવે છે. બાતમીના આધારે SOGની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી હતી.
દરોડા દરમિયાન ફેક્ટરીમાંથી લાખો રૂપિયાનો નકલી ઘીનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘી દેખાવ અને સુગંધમાં અસલી ઘી જેવું જ હતું, જેને કારણે સામાન્ય ગ્રાહક માટે તેને ઓળખવું મુશ્કેલ હતું.
પોલીસે તમામ નકલી ઘી અને ઉત્પાદનમાં વપરાયેલી સામગ્રી જપ્ત કરી છે. ઘટનાસ્થળે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમને બોલાવવામાં આવી હતી, જેણે ઘીના નમૂના લઈને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ ઘીમાં કયા રસાયણોનો ઉપયોગ થયો હતો તે સ્પષ્ટ થશે.
તહેવારોની સિઝન નજીક આવી રહી હોવાથી આવા ભેળસેળિયાઓ સક્રિય બન્યા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જૂનાગઢ પોલીસની આ કાર્યવાહીથી અન્ય ભેળસેળિયાઓમાં પણ ડરનો માહોલ છે.
પોલીસે આ કેસમાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધારો અને અન્ય જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી શરૂ કરી છે. તેમની પૂછપરછ ચાલી રહી છે અને આગામી દિવસોમાં વધુ માહિતી બહાર આવવાની શક્યતા છે.