જૂનાગઢ શહેરમાં ચાલી રહેલા ભૂગર્ભ ગટર, પાણીની પાઇપલાઇન અને રસ્તાના વિકાસ કામોમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપોને કારણે સ્થાનિક રાજકારણ ગરમાયું છે. જોકે, મહાનગરપાલિકાએ આ તમામ આક્ષેપોને ફગાવી દીધા છે.
જૂનાગઢ શહેરમાં હાલ રૂપિયા ૭૦૦ કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર, રૂપિયા ૧૫૦થી ૨૦૦ કરોડના ખર્ચે પાણીની નવી પાઇપલાઇનો અને આર.સી.સી. રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ આયોજનના અભાવે કામગીરી થતી હોવાનો આરોપ છે, જેને કારણે યોજનામાં ખર્ચ વધી રહ્યો છે અને લોકો સુવિધાથી વંચિત છે. રસ્તાના ખોદકામને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
વિપક્ષના નેતા લલિત પરસાણાએ મનપાની કામગીરી પર સવાલો ઉઠાવતા આક્ષેપ કર્યો છે કે, એક કામગીરી ચાલુ હોય ત્યારે બીજી લાઇન તોડી નાખવામાં આવે છે. ગટરના કામ વખતે નવી પાણીની લાઇન અને પાણીના કામ વખતે ગટર લાઇનોને નુકસાન થાય છે. રિપેરિંગ બાદ રોડ બનાવી દેવાય છે, પણ મહિના-બે મહિનામાં રિપેર કરેલો ભાગ ફરી તૂટતાં નવો જ રોડ ફરી ખોદવો પડે છે. આમ આવા અણઘડ આયોજનવાળા વિકાસ કામોથી કોને ફાયદો થયો છે તે અંગે વિપક્ષે સવાલ કર્યા છે.
બીજી તરફ, વર્ષ ૨૦૨૧થી ચાલતું ભૂગર્ભ ગટરનું કામ સમયસર પૂર્ણ ન થતાં સ્થાનિકોમાં પણ આક્રોશ છે. ભૂગર્ભ ગટર યોજનાથી દામોદર કુંડને સ્વચ્છ રાખવાનો ઉદ્દેશ સર્યો નથી તેવો પણ સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે. સ્થાનિકોએ ભૂગર્ભ ગટર યોજનાને 'ભૂગર્ભ ગટર ભ્રષ્ટાચાર યોજના' ગણાવી રહ્યા છે.
વિપક્ષના આ ગંભીર આક્ષેપો સામે જૂનાગઢ મહાનગરપાલિકાના ડે. કમિશનરે ખુલાસો આપ્યો છે કે કમિશનરના માર્ગદર્શન હેઠળ દરરોજ સાઇટ વિઝિટ કરીને કામગીરીનું સતત નિરીક્ષણ કરાઇ રહ્યું છે. ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન પૂરતી તકેદારી રાખવામાં આવતી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. છતાં રસ્તા અને ગટરમાં જ્યાં નુકસાન થયું છે તેનું તાત્કાલિક સમારકામ કરવામાં આવશે તેવો દાવો મનપાના અધિકારીએ કર્યો છે.
જોકે, આક્ષેપ અને દાવાઓ વચ્ચે હાલ તો જૂનાગઢની જનતા હાલાકી ભોગવી રહી છે. જૂનાગઢની જનતા તેમણે ભરેલા વેરાનું યોગ્ય વળતર મળે તે માટે મીટ માંડીને બેઠી છે.