સત્ય. સાહસ. સંકલ્પ.

જૂનાગઢ: દરગાહના મુંજાવર અને પુત્ર સામે દુષ્કર્મ અને ધર્માંતરણનો ગુનો, એસઆઈટી રચાઈ

જૂનાગઢ: દરગાહના મુંજાવર અને પુત્ર સામે દુષ્કર્મ અને ધર્માંતરણનો ગુનો, એસઆઈટી રચાઈ

જૂનાગઢના સંગાડીયા બજાર વિસ્તારમાં આવેલી મોનીશા પીરની દરગાહના મુંજાવર અને તેના પુત્ર સામે દુષ્કર્મ અને ધર્મપરિવર્તનની ફરિયાદ નોંધાઈ છે. દરગાહના મુંજાવર જાવિદ શેખ અને તેના પુત્ર વાહિદ શેખ વિરુદ્ધ એક યુવતી સાથે દુષ્કર્મ તેમજ શારીરિક અને માનસિક ત્રાસ આપ્યાનો ગુનો એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન પોલીસને પીડિતાના ઘરેથી નમાઝ અને કલમા સંબંધિત પુસ્તક, દરગાહનો ફોટો અને બુરખો મળી આવ્યો હતો. આ ઉપરાંત પીડિતાના મોબાઈલમાંથી એક ઓડિયો રેકોર્ડિંગ પણ પોલીસને મળ્યું છે. પોલીસનો દાવો છે કે આ રેકોર્ડિંગમાં પીડિતાની બીમારીઓ દૂર કરવાની લાલચ આપીને ધર્મપરિવર્તન માટે પ્રલોભન આપવામાં આવ્યું હોવાનું સામે આવે છે.

પોલીસ તપાસમાં એવી વિગતો પણ સામે આવી છે કે યુવતીને ઉનાની મીરા દાતાર દરગાહ, તાલાળા નજીક જાંબુર ઉપરાંત અજમેર પણ દર્શન માટે લઈ જવામાં આવી હતી.

મળેલા ઓડિયો રેકોર્ડિંગ અને અન્ય પૂરાવાના આધારે એ ડિવિઝન પોલીસે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ હેઠળની કલમો ઉમેરવા માટે કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો હતો. કોર્ટે ધર્માંતરણની કલમો ઉમેરવાની મંજૂરી આપતાં આ કેસની ઊંડાણપૂર્વક તપાસ માટે એક એસઆઈટીની રચના કરવામાં આવી છે.

નોંધનીય છે કે આ કેસમાં હજુ સુધી આરોપીઓ સામેની આરોપો સાબિત થયા નથી અને તપાસ ચાલુ છે. કાયદા મુજબ આરોપીઓને પોતાનો બચાવ રજૂ કરવાનો અધિકાર છે.