જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં એક્સ-રે અને સોનોગ્રાફી વિભાગમાં દર્દીઓની લાંબી લાઇનો જોવા મળી રહી છે. મશીનોની અછતના કારણે દર્દીઓને કલાકો સુધી રાહ જોવી પડે છે. ખાસ કરીને ગામડાં અને આસપાસના જિલ્લાઓમાંથી આવતા દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટનું કહેવું છે કે, ઓપીડીમાં દર્દીઓની સંખ્યા વધવાના કારણે એક્સ-રે રિપોર્ટમાં વેઇટિંગ ટાઇમ વધી રહ્યો છે. તેમણે વધુ મશીન મંગાવવાની પ્રક્રિયા શરૂ કરવાનો દાવો કર્યો છે, પરંતુ દર્દીઓની માંગ છે કે આ કામગીરી માટે જલદી નિર્ણય લેવામાં આવે.
એક્સ-રે મશીનની અછતને કારણે દર્દીઓને ધક્કા પણ ખાવા પડે છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે, જો કોઈ દર્દીને ઇમરજન્સીમાં એક્સ-રે કે સોનોગ્રાફીની જરૂર પડે તો તેનું શું થાય? લાંબી લાઇનમાં ઊભા રહેવાથી બીમાર દર્દીઓની હાલત વધુ કફોડી બની જાય છે. હોસ્પિટલમાં દર્દીઓની વધતી સંખ્યા વચ્ચે આ સમસ્યા ગંભીર બની છે.