સત્ય. સાહસ. સંકલ્પ.

બનાસકાંઠાના જુનાડીસામાં નાઈટ સફારી માટે 212 દબાણો હટશે, 140 પરિવારોને મફત પ્લોટ

બનાસકાંઠાના જુનાડીસામાં નાઈટ સફારી માટે 212 દબાણો હટશે, 140 પરિવારોને મફત પ્લોટ

બનાસકાંઠા જિલ્લાના જુનાડીસા વિસ્તારમાં નાઈટ સફારી પ્રોજેક્ટ માટેના માર્ગમાં આવતા 212 દબાણો હટાવવાનું નક્કી કરાયું છે. આ દબાણોને કારણે અસરગ્રસ્ત થતા 140 પરિવારોને નવું ગામતળ બનાવીને મફત પ્લોટ ફાળવવાની રાજ્ય સરકારે સત્તાવાર મંજૂરી આપી છે. આ માટે 1 હેક્ટર જમીન ફાળવવામાં આવી છે.

નાઈટ સફારી પ્રોજેક્ટના વિકાસ માટે વહીવટી તંત્રએ વિસ્તારમાં કુલ 212 ગેરકાયદે દબાણોની ઓળખ કરી હતી. આ દબાણો હટાવવાથી જે પરિવારો પ્રભાવિત થશે તેમને યોગ્ય આશ્રય મળી રહે તે માટે સરકારે તાત્કાલિક આયોજન કર્યું છે. આ પ્રક્રિયા અંતર્ગત અત્યાર સુધીમાં 178 અરજીઓ પ્રાપ્ત થઈ છે, જેમાંથી 140 પરિવારોની અરજીઓ ચકાસણી બાદ મંજૂર કરવામાં આવી છે. બાકીની 38 અરજીઓની ચકાસણી હાલ ચાલુ છે.

સરકારના આ નિર્ણયથી વિકાસ પ્રોજેક્ટને વેગ મળશે અને જરૂરિયાતમંદ પરિવારોને પોતાના કાયમી ઘરનું સ્વપ્ન સાકાર થશે તેમજ તેમનું જીવનસ્તર સુધરશે.