સત્ય. સાહસ. સંકલ્પ.

જુહી ચાવલાનો 59મો જન્મદિવસ: સલમાનનો લગ્ન પ્રસ્તાવ ઠુકરાવ્યો, શાહરુખને થપ્પડ મારી, આમિર સાથે 5 વર્ષ તકરાર

જુહી ચાવલાનો 59મો જન્મદિવસ: સલમાનનો લગ્ન પ્રસ્તાવ ઠુકરાવ્યો, શાહરુખને થપ્પડ મારી, આમિર સાથે 5 વર્ષ તકરાર

બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી જુહી ચાવલા આજે તેનો 59મો જન્મદિવસ ઉજવી રહી છે. 80 અને 90ના દાયકામાં તેની સુંદર સ્માઇલ અને અભિનયથી દર્શકોના દિલ જીતનારી જુહી આજે દેશની સૌથી અમીર અભિનેત્રીઓમાં ગણાય છે. 1986માં ફિલ્મ 'સલ્તનત'થી કરિયરની શરૂઆત કરનારી જુહીએ 40 વર્ષના ફિલ્મી કરિયરમાં 100થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.

તેણે બોલિવૂડના ત્રણેય ખાન – શાહરુખ, આમિર અને સલમાન સાથે કામ કર્યું છે. સલમાન સાથે લીડ અભિનેત્રી તરીકે તેણે કોઈ ફિલ્મ નથી કરી, છતાં સલમાન તેને ખૂબ પસંદ કરતો હતો. એકવાર સલમાન લગ્નનો પ્રસ્તાવ લઈને તેના ઘરે પહોંચ્યો હતો, પરંતુ જુહી અને તેના પિતાએ તેને ઠુકરાવી દીધો હતો.

જુહીએ એકવાર ગુસ્સામાં શાહરુખ ખાનને થપ્પડ મારી હતી, જ્યારે આમિર ખાનની એક મજાકથી નારાજ થઈને તેણે તેની સાથે 5 વર્ષ સુધી વાત કરવાની ના પાડી હતી. આજે તેના જન્મદિવસ નિમિત્તે જાણો તેની સલમાન, શાહરુખ અને આમિર સાથેની મિત્રતા અને અણબનાવની કહાણી.

શાહરુખને મારેલી થપ્પડ

શાહરુખ ખાન અને જુહી ચાવલાની ઓનસ્ક્રીન જોડી જેટલી સુપરહિટ રહી, ઓફસ્ક્રીન તેમની મિત્રતા એટલી જ ઊંડી છે. પરંતુ આ મિત્રતા વચ્ચે એકવાર એવો સમય પણ આવ્યો જ્યારે જુહીએ ગુસ્સામાં શાહરુખને થપ્પડ મારી હતી.

ડિરેક્ટર વિવેક શર્માએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બંને કલાકારો ફિલ્મ 'ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની'ના શૂટિંગ દરમિયાન એક એક્શન સીન શૂટ કરી રહ્યા હતા. આ એક્શન સીનને લઈને શાહરુખ ખૂબ ઉત્સાહિત હતા. એક્શન સિક્વન્સ દરમિયાન એક આગનો ગોળો નીકળે છે. જુહીને આની જાણકારી નહોતી.

જ્યારે સીન શૂટ થવાનું શરૂ થયું અને આગનો ગોળો 'બૂમ' અવાજ સાથે નીકળ્યો તો જુહી ચાવલા ખૂબ ડરી ગઈ અને ગુસ્સામાં શાહરુખ ખાનને એક થપ્પડ મારી દીધી અને શૂટિંગ છોડીને પોતાની વેનિટી વેનમાં ચાલી ગઈ.

શાહરુખને લાગ્યું કે તેની ભૂલના કારણે જુહી નારાજ થઈ છે તો તે ખુદ ગયો અને જુહીને મનાવીને પાછી લાવ્યો. જ્યારે કે આમાં શાહરુખ ખાનની કોઈ ભૂલ નહોતી. જુહીને લાગ્યું કે શાહરુખને બધું ખબર હતી અને તેણે જણાવ્યું નહોતું.

મુશ્કેલ સમયમાં શાહરુખે આપ્યો સાથ

માત્ર ફિલ્મોમાં જ નહીં, શાહરુખ-જુહી રિયલ લાઈફમાં પણ એકબીજાના સાથી છે. એક ઈન્ટરવ્યુમાં જુહીએ જણાવ્યું હતું કે જ્યારે તેના ભાઈ કોમામાં ચાલ્યા ગયા હતા, ત્યારે તે સંપૂર્ણ રીતે એકલી પડી ગઈ હતી. માતા-પિતાના ગયા પછી તેનો ભાઈ જ તેનું ધ્યાન રાખતો હતો. તેના આ મુશ્કેલ સમયમાં શાહરુખ ખાન જ હતો, જેણે જુહીને ખૂબ સપોર્ટ કર્યો હતો. જુહી અવારનવાર કહે છે કે, "જો મને કોઈ વસ્તુની જરૂર હોય અને હું શાહરુખને ફોન કરું તો હું જાણું છું તે પલક ઝપકતાં જ મારી પાસે પહોંચી જશે."

આ મિત્રતા માત્ર એકતરફી નથી રહી. જ્યારે શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનને 2021માં ડ્રગ્સ કેસમાં જેલ જવું પડ્યું હતું, ત્યારે જુહી ચાવલા જ સેશન કોર્ટ પહોંચી અને આર્યનના 1 લાખ રૂપિયાના જામીન માટે મુખ્ય બેલ બોન્ડ પર સહી કરી હતી. બંને આઈપીએલ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના કો-પાર્ટનર્સ પણ છે.

આમિર સાથે 5 વર્ષની તકરાર

આમિર ખાને પોતાના કરિયરની શરૂઆત જુહી ચાવલા સાથે કરી હતી. બંને વર્ષ 1988ની ફિલ્મ 'કયામત સે કયામત તક'માં જોવા મળ્યા હતા. આ પછી બંનેએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું અને તેઓ સારા મિત્રો પણ હતા, પરંતુ આમિરની મજાકની આદતે બંને વચ્ચે વર્ષોની તિરાડ પાડી દીધી.

એકવાર ફિલ્મ 'હમ હૈં રાહી પ્યાર કે'ના શૂટિંગ વખતે આમિરે જુહીને મજાકમાં પાણીમાં ધક્કો મારી દીધો હતો. જુહી પાણીમાં પડી ગઈ અને આમિરની આ હરકતથી નારાજ થઈ ગઈ હતી.

આ પહેલાં પણ આમિર જુહી સાથે એક આવો પ્રેન્ક કરી ચૂક્યો હતો. ફિલ્મ 'તુમ મેરે હો'ના શૂટિંગ દરમિયાન આમિરે જુહીને હાથમાં એક સાપ પકડાવી દીધો હતો. આ જોઈ જુહી ડરી ગઈ અને સેટ પર જ ભાગવા લાગી. આમિર મજાક કરી રહ્યો હતો પરંતુ જુહીને લાગ્યું કે આમિર કંઈક ખોટું કરવાના હતા. જુહી ડરના માર્યા આખા સેટ પર ચીસો પાડતી ભાગવા લાગી હતી.

હદ તો ત્યારે થઈ ગઈ હતી જ્યારે આમિરે જુહી સાથે ફિલ્મ 'ઈશ્ક'ના સેટ પર મજાક કરી હતી, પરંતુ આ વખતે આ મજાક મોંઘી પડી ગઈ. 'અંખિયા તૂ મિલા લે રાજા' ગીતના શૂટિંગ દરમિયાન આમિર જુહી પાસે ગયો અને તેને કહ્યું કે તે જ્યોતિષ વિદ્યા જાણે છે અને તેનો હાથ જોઈ શકે છે. જુહીએ આમિરની વાતો પર ભરોસો કરી લીધો અને પોતાનો હાથ તેની સામે ધરી દીધો. ત્યારે આમિરે તેના હાથ પર થૂંકી દીધું. આ ઘટનાથી જુહી ખૂબ નારાજ થઈ ગઈ અને તેણે આમિર સાથે 5 વર્ષ સુધી વાત કરવાની ના પાડી દીધી હતી.