સાઉથ ફિલ્મ સ્ટાર જુનિયર NTRએ તેની ફિલ્મ 'દેવરા: પાર્ટ 1'ના ગીત 'ચુટ્ટામલ્લે'નો AI દ્વારા બનાવવામાં આવેલો મોર્ફ્ડ (ડીપફેક) વીડિયો સામે આવ્યા બાદ ચિંતા વ્યક્ત કરી છે. આ ગીતમાં જાહ્નવી કપૂર સાથે ફિલ્માવવામાં આવ્યું હતું. જુનિયર NTRએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરની એક પોસ્ટમાં આ વીડિયોને 'અત્યંત ઘૃણાસ્પદ, શરમજનક અને નિંદનીય' ગણાવ્યો છે.
તેણે લખ્યું, 'જે દેશમાં મહિલાઓને માતા અને દેવી તરીકે સન્માન આપવામાં આવે છે અને ‘માતૃદેવો ભવ’ આપણી સંસ્કૃતિનો ભાગ છે, ત્યાં કેટલાક લોકો AIનો ઉપયોગ કરીને એક મહિલાનું આ રીતે અપમાન કરી રહ્યા છે.'
જુનિયર NTRએ મોર્ફ્ડ વીડિયો બનાવનારાઓ અને તેને ફેલાવનારાઓને કડક ચેતવણી આપી છે. તેણે કહ્યું, 'આ મોર્ફ્ડ વીડિયો બનાવનારાઓ અને ફેલાવનારાઓ વિરુદ્ધ હું શક્ય તમામ કાયદેસરની કાર્યવાહી કરીશ. હું તેમાંથી કોઈને પણ છોડીશ નહીં.'
ડીપફેક ટેક્નિકનો ઉપયોગ કરીને મૂળ ગીતનાં દૃશ્યો બદલીને વાંધાજનક બનાવી દેવામાં આવ્યા છે. અભિનેતાએ લોકોને આવા કન્ટેન્ટને પ્રોત્સાહન ન આપવાની અપીલ કરી. તેણે લખ્યું, 'હું લોકોને અપીલ કરું છું કે આવા કન્ટેન્ટને ન જુએ, ન શેર કરે અને ન તો તેના પર પ્રતિક્રિયા આપે. આજે આવું કોઈ અન્ય વ્યક્તિ સાથે થયું છે, કાલે તમારી માતા, બહેન, પત્ની અથવા દીકરી પણ તેનો ભોગ બની શકે છે.'
તેણે આગળ લખ્યું, 'આ અત્યંત ગંભીર મામલો છે. હું તમામ રાજ્ય સરકારો અને ભારત સરકારને અપીલ કરું છું કે AIના દુરુપયોગ સામે કડક નિયમો બનાવવામાં આવે અને કાર્યવાહી કરવામાં આવે.'
'ચુટ્ટામલ્લે' 2024માં આવેલી એક્શન ડ્રામા ફિલ્મ 'દેવરા: પાર્ટ 1'નું રોમેન્ટિક ગીત છે. તેમાં જુનિયર NTR અને જાહ્નવી કપૂર જોવા મળ્યાં હતાં. આ ગીત તેની ધૂન અને બંને મુખ્ય કલાકારોની કેમેસ્ટ્રી માટે લોકપ્રિય થયું હતું. કોરટાલા શિવાના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મની વાર્તા 1980ના દાયકાના એક દરિયાકાંઠાના ગામ પર આધારિત છે, જેમાં એક શક્તિશાળી દરિયાઈ યોદ્ધો ગેરકાયદેસર દરિયાઈ તસ્કરી સામે ઊભો થાય છે.
ફિલ્મમાં જુનિયર NTR, જાહ્નવી કપૂર અને સૈફ અલી ખાને મહત્ત્વની ભૂમિકાઓ ભજવી હતી. પ્રકાશ રાજ, શ્રીકાંત અને શાઇન ટોમ ચાકો પણ ફિલ્મનો ભાગ હતા. વર્કફ્રન્ટની વાત કરીએ તો, જુનિયર NTR આગામી ફિલ્મ 'ડ્રેગન' પર કામ કરી રહ્યો છે, જેનું ડિરેક્શન 'KGF' અને 'સાલાર' ફેમ પ્રશાંત નીલ કરી રહ્યા છે. ફિલ્મ 11 જૂન 2027ના રોજ રિલીઝ થવાની છે.
ઉલ્લેખનીય છે કે, ઘણા સેલિબ્રિટીઝ AI-જનરેટેડ કન્ટેન્ટનો ભોગ બની ચૂક્યા છે, જેમાં રશ્મિકા મંદાના, નોરા ફતેહી અને માધુરી દીક્ષિત જેવા નામો સામેલ છે. મે 2026માં ફેક AIથી બનાવાયેલા વીડિયો અને તસવીરોને લઈને સાઉથ એક્ટ્રેસ રુક્મિણી વસંત ભડકી ઊઠી હતી. તેણે X પર એક નોંધ શેર કરીને કહ્યું હતું કે આ તસવીરો સંપૂર્ણપણે ખોટી અને બનાવટી છે, અને આવી એડિટેડ તસવીરો બનાવવી અને ફેલાવવી અત્યંત બેજવાબદાર વર્તન છે. આ કોઈની પ્રાઇવસીનું પણ ગંભીર ઉલ્લંઘન છે. તેમણે આ મામલે કાનૂની અને સાયબર ક્રાઇમ કાર્યવાહી શરૂ કરવાની વાત કરી હતી.
મે 2026માં જ માધુરી દીક્ષિતનો એક વીડિયો વાયરલ થયો હતો, જેને બાદમાં ફેક્ટ ચેક અને Xના કમ્યુનિટી નોટ દ્વારા AI-જનરેટેડ અને સંપૂર્ણપણે નકલી જાહેર કરવામાં આવ્યો હતો. નવેમ્બર 2023માં રશ્મિકાનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેઓ કાળા રંગનાં કપડાં પહેરીને લિફ્ટની અંદર જતાં જોવા મળ્યાં હતાં. આ વીડિયો સંપૂર્ણપણે નકલી હતો. મૂળ વીડિયો બ્રિટિશ-ભારતીય સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જારા પટેલનો હતો.