દુબઈમાં ભારતીય જ્વેલરી કંપની જૉયઆલુક્કાસે 16.514 કિલોગ્રામ વજનવાળા સોનાના ઝુમકા બનાવ્યા છે, જેને બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ મળ્યા છે. આ ઝુમકા 22 કેરેટ સોનાના બનેલા છે અને તેમનું નામ 'મયૂર સહસ્ર' રાખવામાં આવ્યું છે, જેનો અર્થ 'એક હજાર મોર' થાય છે.
આ ઝુમકા 24 ઓક્ટોબરે દુબઈના ગોલ્ડ ડિસ્ટ્રિક્ટમાં આવેલા જ્વેલ ઓફ જૉય શોરૂમમાં પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે UAEના અર્થતંત્ર અને પર્યટન મંત્રી અબ્દુલ્લા બિન તૌક અલ મર્રી ઉપસ્થિત રહ્યા હતા.
આ ઝુમકા બનાવવા માટે 55 કુશળ કારીગરોએ ઘણા મહિનાઓ સુધી કામ કર્યું હતું. તેમને તૈયાર કરવામાં કુલ 5,840 કલાકનો સમય લાગ્યો હતો. ઝુમકાની લંબાઈ 1.215 મીટર અને વ્યાસ 0.682 મીટર છે.
આ ઝુમકાની ડિઝાઇન મોરની પ્રેરણાથી બનાવવામાં આવી છે. ભારતીય સંસ્કૃતિમાં મોરને સૌંદર્ય અને શાલીનતાનું પ્રતીક માનવામાં આવે છે. તેમના ડિઝાઇનમાં દક્ષિણ એશિયાના લગ્નોમાં પહેરવામાં આવતા પરંપરાગત ઘંટ આકારના ઝુમકાની ઝલક પણ જોવા મળે છે.
જૉયઆલુક્કાસ જ્વેલરીના CEO જૉન પૉલ આલુક્કાસે જણાવ્યું કે આ ઝુમકા બનાવવાનો વિચાર દુબઈ સાથે કંપનીના લાંબા જોડાણ અને શહેરના વિકાસથી પ્રેરિત હતો. તેમણે કહ્યું કે દુબઈને હંમેશાં સોનાનું શહેર કહેવામાં આવે છે અને આ રચના શહેરની ઓળખને વધુ મજબૂત બનાવશે.
જૉયઆલુક્કાસ ગ્રુપના ચેરમેન જૉય આલુક્કાસે આ સિદ્ધિ દુબઈ અને કારીગરો પ્રત્યેનો આદર ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે કંપની લગભગ ચાર દાયકાથી દુબઈ સાથે જોડાયેલી છે. આ ઝુમકા તે કારીગરોની મહેનતનું પરિણામ છે, જેમણે મુશ્કેલ કલ્પનાને વાસ્તવિકતામાં બદલી નાખી. એક જ રચના માટે બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ મળવા એ કંપની, તેના કર્મચારીઓ અને ગ્રાહકો માટે ગર્વની વાત છે.
આ ઝુમકા દુબઈના ગોલ્ડ ડિસ્ટ્રિક્ટમાં આવેલા જ્વેલ ઓફ જૉય બાય જૉયઆલુક્કાસ શોરૂમમાં કાયમી ધોરણે પ્રદર્શિત કરવામાં આવ્યા છે, જ્યાં સામાન્ય લોકો પણ તેમને જોઈ શકે છે.
જૉયઆલુક્કાસ કેરળના ઉદ્યોગપતિ છે અને જૉયઆલુક્કાસ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે. કંપનીની શરૂઆત 1987માં થઈ હતી. તેનું મુખ્યાલય કેરળના ત્રિશૂર અને દુબઈમાં છે. આલુક્કાસ પરિવારે ત્રિશૂરમાં જ્વેલરીનો વેપાર શરૂ કર્યો હતો. બાદમાં 2001માં જૉયઆલુક્કાસ નામથી વેપારનો વિસ્તાર કર્યો. આજે કંપની ભારત ઉપરાંત બ્રિટન, અમેરિકા, સિંગાપુર, મલેશિયા, UAE, કતાર, કુવૈત, સાઉદી અરેબિયા, ઓસ્ટ્રેલિયા, બહેરીન અને ઓમાનમાં પણ વેપાર ધરાવે છે. ફોર્બ્સના 2023ના અહેવાલ મુજબ, જૉયઆલુક્કાસની નેટવર્થ 4.4 અબજ ડૉલર આંકવામાં આવી હતી.