ઈંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન જોસ બટલરે T20 ક્રિકેટમાં નવો ઈતિહાસ રચ્યો છે. તે આ ફોર્મેટમાં 15,000 રન પૂરા કરનાર દુનિયાનો પહેલો ખેલાડી બન્યો છે.
કાર્ડિફમાં શ્રીલંકા વિરુદ્ધ રમાયેલી T20 મેચમાં બટલરે આ આંકડો સ્પર્શ્યો. 150 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે તેને સાથી ઓપનર એન્યુરિન ડોનાલ્ડ સાથે પ્રથમ વિકેટ માટે 51 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન બટલરે 4 ચોગ્ગા અને 1 સિક્સ ફટકારી 30 રન બનાવ્યા અને 15 હજાર રનના ઐતિહાસિક શિખરે પહોંચ્યો.
બટલરે 528 મેચોની 497 ઇનિંગ્સમાં 35.46ની સરેરાશ અને 147.46ના સ્ટ્રાઇક રેટથી 15,000 રન પૂરા કર્યા છે. આ સમયગાળામાં તેણે 9 સદી અને 107 અડધી સદી ફટકારી છે.
વેસ્ટઈન્ડિઝના દિગ્ગજ કાયરન પોલાર્ડને પાછળ છોડી બટલર ફરી એક વખત T20 ક્રિકેટમાં દુનિયાનો નંબર-1 રન સ્કોરર બન્યો છે. પોલાર્ડ 14,999 રન સાથે બીજા સ્થાને છે.
બટલરના T20 રનમાં મોટો હિસ્સો દુનિયાની સૌથી લોકપ્રિય લીગ IPLમાંથી આવ્યો છે. IPLમાં ત્રણ ફ્રેન્ચાઈઝી માટે રમતા બટલરે 138 મેચમાં 39.70ની સરેરાશથી 4,646 રન બનાવ્યા છે, જ્યારે T20 ઈન્ટરનેશનલમાં તેણે 4,322 રન બનાવ્યા છે.