સત્ય. સાહસ. સંકલ્પ.

બટલર T-20માં 15,000 રન બનાવનાર પ્રથમ બેટર, ઇંગ્લેન્ડે શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું

બટલર T-20માં 15,000 રન બનાવનાર પ્રથમ બેટર, ઇંગ્લેન્ડે શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું

ઇંગ્લેન્ડના વિકેટકીપર બેટર જોસ બટલર T-20 ક્રિકેટમાં 15,000 રન પૂરા કરનાર વિશ્વના પ્રથમ બેટર બન્યા છે. 36 વર્ષીય બટલરે વેસ્ટ ઇન્ડીઝના ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડને પાછળ છોડી દીધો, જેમના નામે 14,994 રન છે.

બટલરે આ સિદ્ધિ ગુરુવારે રાત્રે શ્રીલંકા સામેની બીજી T-20 ઇન્ટરનેશનલ મેચમાં હાંસલ કરી. તેમણે 16 બોલમાં 30 રન બનાવ્યા. કાર્ડિફના સોફિયા ગાર્ડન્સમાં રમાયેલી આ મેચ ઇંગ્લેન્ડે 7 વિકેટે જીતી લીધી.

શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 9 વિકેટે 145 રન બનાવ્યા. શ્રીલંકાની શરૂઆત ઝડપી રહી. પથુમ નિસાંકાએ 21 બોલમાં 37 રન બનાવ્યા, જેથી ટીમે 5 ઓવરમાં વિકેટ ન ગુમાવતાં 55 રન બનાવી લીધા. ત્યારબાદ શ્રીલંકાની ઇનિંગ્સ લથડી. બાકીની 15 ઓવરમાં ટીમે 90 રન ઉમેર્યા અને 9 વિકેટ ગુમાવી.

ઇંગ્લેન્ડના લિયમ ડોસને 4 ઓવરમાં 32 રન આપીને 3 વિકેટ લીધી. તેમણે સતત બે બોલ પર બે વિકેટ લઈને શ્રીલંકાને દબાણમાં મૂકી દીધું. જૈમી ઓવરટન, આદિલ રશીદ અને જોફ્રા આર્ચરે પણ કસીને બોલિંગ કરી.

146 રનના લક્ષ્યનો પીછો કરતાં ઇંગ્લેન્ડે આક્રમક શરૂઆત કરી. બટલરે 30 અને કેપ્ટન હેરી બ્રૂકે 23 રન બનાવ્યા. ટોમ બેન્ટને 24 બોલમાં અણનમ 52 રન ફટકાર્યા. ઇંગ્લેન્ડે 12.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું.

હેરી બ્રૂકની કેપ્ટનશિપમાં ઇંગ્લેન્ડનો T-20 રેકોર્ડ શાનદાર રહ્યો છે. ગયા વર્ષે જૂનમાં તેઓ કેપ્ટન બન્યા ત્યારથી ટીમે 25 પૂર્ણ T-20 મેચમાંથી 22 જીતી છે. સોફિયા ગાર્ડન્સમાં પણ ઇંગ્લેન્ડનો રેકોર્ડ મજબૂત છે, જ્યાં તેણે 12 મેચમાં 10મી જીત નોંધાવી.