નવી દિલ્હી: જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ના સોશિયલ સાયન્સ વિભાગમાં ભણાવતા પ્રોફેસર અંગોમચા બિમોલ અકોઈજામ સામે 11 વિદ્યાર્થિનીઓએ જાતીય સતામણી અને અયોગ્ય વર્તનની ફરિયાદ કરી છે. યુનિવર્સિટીની આંતરિક તપાસ સમિતિએ તપાસ બાદ ઘણા આરોપો સાચા હોવાનું માન્યું છે અને પ્રોફેસરનું આ વર્તન ખોટું છે તેવું ઠેરવ્યું છે.
એક વિદ્યાર્થિનીના જણાવ્યા મુજબ, મે મહિનામાં યોજાયેલી એક ક્લાસમાં તેઓ પહેલી વાર પ્રોફેસર બિમોલના ઘરે ગઈ હતી. ત્યાં 10થી 12 વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ હાજર હતા. શરૂઆતમાં વાતચીત વિષય સાથે સંબંધિત રહી, પરંતુ ધીમે ધીમે વાતચીત અંગત બનતી ગઈ. પ્રોફેસર ઘર-પરિવાર અને કૌટુંબિક પૃષ્ઠભૂમિ વિશે પૂછપરછ કરવા લાગ્યા. વિદ્યાર્થિની કહે છે કે લેક્ચર આપતી વખતે પણ તેઓ ગમે ત્યારે નજીક આવીને હાથ પકડી લેતા હતા.
તેમના જ વિભાગની બીજી એક વિદ્યાર્થિની જણાવે છે કે પ્રોફેસર ક્લાસ ઉપરાંત ઘરે પણ મૌખિક પરીક્ષા (વાયવા) લેતા હતા. 6 મેના રોજ પણ તેમણે વિદ્યાર્થીઓને ઘરે બોલાવ્યા હતા. ક્લાસમાં તેમનું વર્તન ખૂબ કડક અને ખરાબ રહેતું હતું, જ્યારે ઘરે વાયવા સહેલાઈથી પાર થઈ જતો હતો. તેમને જોઈને લાગતું જ નહોતું કે આ એ જ પ્રોફેસર છે જે ક્લાસમાં હતા. વાયવા સરળતાથી પસાર થાય તે માટે વિદ્યાર્થીઓ તેમના ઘરે જતા હતા.
એક અન્ય વિદ્યાર્થિનીએ કહ્યું કે પ્રોફેસર ઘણી વાર ક્લાસ માટે રૂમ પર બોલાવતા, પરંતુ તે ક્લાસ માત્ર 5 મિનિટ ચાલતી હતી. ખોટા સમયનું બહાનું બનાવીને અથવા અચાનક કામ આવી ગયું હોવાનું કહીને તેઓ વિદ્યાર્થીઓને પાછા મોકલી દેતા હતા, જ્યારે કેટલીક વિદ્યાર્થિનીઓ ત્યાં જ રહી જતી હતી. અમને લાગતું હતું કે તેઓ પ્રોફેસરની લાડકવાયી છે, ક્યારેય કોઈને શંકા ન ગઈ. પછી જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારે સમજાયું.
એક વિદ્યાર્થીએ જણાવ્યું કે પ્રોફેસર લોકપ્રિય સંસ્કૃતિ અને સિનેમાના ઉદાહરણો દ્વારા ભણાવતા હતા. ઘણી વાર ક્લાસમાં ફિલ્મો પણ બતાવતા અને પોતાની બનાવેલી ડોક્યુમેન્ટરી ફિલ્મોનો ઉલ્લેખ કરતા. એક ક્લાસમાં તેમણે વિષયના નામે એવી ક્લિપ બતાવી જેમાં જાતીય સામગ્રી હતી, જેને જોઈને બધા અસહજ થઈ ગયા હતા. ફિલ્મ બતાવતા પહેલાં તેમણે કહ્યું હતું કે દૃશ્યોની મગજ પર વધુ અસર થાય છે. એક વિદ્યાર્થીએ કહ્યું કે એક છોકરા તરીકે હું પણ અસહજ હતો, તો વિદ્યાર્થિનીઓની શું હાલત થઈ હશે.
યુનિવર્સિટીએ 9 ઓક્ટોબરે પ્રોફેસરને સેવામાંથી બરતરફ કરવાનો આદેશ જારી કર્યો હતો અને 11 ઓક્ટોબરે તેમની સામે પોલીસ ફરિયાદ (FIR) નોંધાઈ હતી. જોકે, 2 નવેમ્બરે દિલ્હી હાઈકોર્ટે બરતરફીના આદેશ પર રોક લગાવી દીધી હતી. વિદ્યાર્થીઓ જણાવે છે કે પ્રોફેસર હંમેશાં કહેતા હતા કે, 'હું સુંદર દેખાઉં છું, એટલે મારા પર આવા આરોપો લાગે છે.'
પ્રોફેસર સામે આરોપો લાંબા સમયથી ચર્ચામાં રહ્યા હતા, પરંતુ કોઈ વિદ્યાર્થીની સામે આવતું નહોતું. જ્યારે પહેલી વાર એક વિદ્યાર્થિનીએ ખુલીને પોતાનો અનુભવ શેર કર્યો, ત્યારે અન્ય વિદ્યાર્થિનીઓને પણ હિંમત મળી અને તેમણે પણ ફરિયાદ કરી.