સત્ય. સાહસ. સંકલ્પ.

Jioએ વોઇસ-ઓન્લી પ્લાન લોન્ચ કર્યા, ઇન્ટરનેટ વગર માત્ર ₹147થી શરૂ

Jioએ વોઇસ-ઓન્લી પ્લાન લોન્ચ કર્યા, ઇન્ટરનેટ વગર માત્ર ₹147થી શરૂ

રિલાયન્સ Jioએ તેના વેલ્યુ પેકમાં ફેરફાર કરીને માત્ર કોલિંગ માટેના નવા પ્લાન રજૂ કર્યા છે. આ પ્લાનમાં ઇન્ટરનેટ ડેટા સામેલ નથી, જેથી જે લોકોને ડેટાની જરૂર નથી તેમને સસ્તા દરે કોલિંગની સુવિધા મળશે.

ઘણા લોકોના ઘરમાં Wi-Fi હોય છે અથવા વડીલો ફોનનો ઉપયોગ માત્ર કોલિંગ માટે જ કરે છે. અત્યાર સુધી તેમને ડેટા સાથેના મોંઘા પ્લાન ખરીદવા પડતા હતા. Jioના નવા પ્લાન 22 દિવસથી લઈને 336 દિવસ સુધીની માન્યતા અવધિ સાથે ઉપલબ્દ થશે.

₹200થી ઓછી કિંમતના ચાર વિકલ્પોમાં ₹147નો પ્લાન 22 દિવસ માટે અનલિમિટેડ કોલિંગ અને 300 SMS આપે છે, જેનો દૈનિક ખર્ચ ₹6.68 થાય છે. ₹177નો પ્લાન 28 દિવસ માટે છે, જેમાં દૈનિક ખર્ચ ₹6.32 થાય છે. ₹196નો પ્લાન 30 દિવસ માટે છે, જેમાં દૈનિક ખર્ચ ₹6.53 થાય છે. ₹97નો પ્લાન કેલેન્ડર મહિના માટે છે, એટલે કે રિચાર્જની તારીખથી આગલા મહિનાની તે જ તારીખ સુધી માન્ય રહેશે. આ ચારેય પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને 300 SMS સામેલ છે.

જે લોકો દર મહિને રિચાર્જ કરવાનું ટાળે છે તેમના માટે ₹448નો પ્લાન 84 દિવસ માટે અનલિમિટેડ કોલિંગ અને 1,000 SMS આપે છે, જેનો દૈનિક ખર્ચ ₹5.33 થાય છે. ₹1,748નો પ્લાન 336 દિવસ માટે અનલિમિટેડ કોલિંગ અને 3,600 SMS આપે છે, જેનો દૈનિક ખર્ચ ₹5.20 થાય છે. આ બંને લાંબા ગાળાના પ્લાનમાં JioTV અને Jio AI Cloud જેવી સેવાઓ પણ મળે છે.

આ પ્લાન ટેલિકોમ નિયમનકાર TRAIના નિર્દેશોને પગલે લાવવામાં આવ્યા છે. TRAIએ કહ્યું હતું કે ગ્રામીણ વિસ્તારોના વપરાશકર્તાઓ, વરિષ્ઠ નાગરિકો અને માત્ર કોલિંગ માટે ફોન વાપરતા લોકો પર બિનજરૂરી ડેટા ચાર્જનો બોજ ન નાખવો જોઈએ. એપ્રિલ 2026માં આ પ્રકારના પેક રજૂ કરવાના પ્રસ્તાવ પછી હવે આ પ્લાન MyJio એપ અને વેબસાઇટ પર 'TRAI Mandated Packs' શ્રેણી હેઠળ ઉપલબ્ધ છે.

જો વોઇસ પ્લાન લીધા પછી અચાનક ઇન્ટરનેટની જરૂર પડે તો Jio ડેટા એડ-ઓન પેક દ્વારા નાનું ડેટા વાઉચર ખરીદી શકાય છે. કોઈપણ પ્લાન પસંદ કરતા પહેલા MyJio એપ પર તેની માન્યતા અને નિયમો-શરતો તપાસી લેવી જોઈએ.