રિલાયન્સ જિયોએ સપ્ટેમ્બર 2016માં ગુજરાતના ટેલિકોમ બજારમાં પ્રવેશ કર્યો ત્યારથી તેની વૃદ્ધિ નોંધપાત્ર રહી છે. ટ્રાઇના તાજેતરના આંકડા દર્શાવે છે કે જૂન 2026 સુધીમાં જિયોના ગ્રાહકોની સંખ્યા 335.5 લાખ સુધી પહોંચી છે, જે ગુજરાત સર્કલમાં સૌથી વધુ છે. કંપનીનો બજાર હિસ્સો લગભગ 46.2 ટકા છે.
જિયોએ સપ્ટેમ્બર 2016માં 14.6 લાખ ગ્રાહકો સાથે શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમાં સતત વધારો થતો ગયો. ડિસેમ્બર 2020માં જિયો પ્રથમ વખત ગુજરાત સર્કલમાં સૌથી મોટી મોબાઇલ ઓપરેટર બની હતી, અને ત્યારથી તેણે આ સ્થાન જાળવી રાખ્યું છે.
ટ્રાઇના આંકડા મુજબ, જિયોએ જૂન 2026 સુધીમાં 320.9 લાખ ગ્રાહકોનો ચોખ્ખો વધારો નોંધાવ્યો છે, જે 10 વર્ષમાં લગભગ 22.9 ગણો છે. આ સમયગાળા દરમિયાન ગુજરાતના ટેલિકોમ બજારમાં મોટું પરિવર્તન આવ્યું છે, જેમાં ઘણા નાના ઓપરેટરો બજારમાંથી બહાર થયા છે.
હાલમાં ગુજરાતમાં વોડાફોન આઇડિયા 200.1 લાખ ગ્રાહકો સાથે બીજા, એરટેલ 158.4 લાખ સાથે ત્રીજા અને BSNL 33 લાખ સાથે ચોથા ક્રમે છે. આ આંકડા દર્શાવે છે કે જિયોએ માત્ર પોતાનું સ્થાન મજબૂત કર્યું નથી, પરંતુ સમગ્ર ટેલિકોમ ક્ષેત્રની સ્પર્ધાની તસવીર બદલી નાખી છે.