દિલ્હીમાં યોજાયેલી ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ (IMC) 2026માં રિલાયન્સ Jioએ પોતાની નવી પેટન્ટેડ ટેક્નોલોજી અને ડિજિટલ વિઝન રજૂ કર્યું. આ દરમિયાન Jioના ચેરમેન આકાશ અંબાણીએ સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને JioAirFiberની ક્ષમતા વિશે માહિતી આપી. તેમણે જણાવ્યું કે JioAirFiber ટાવરથી લગભગ 7 કિલોમીટર સુધીની કનેક્ટિવિટી પૂરી પાડવા સક્ષમ છે. આ ટેક્નોલોજી વિશે જાણીને સંચાર મંત્રી ઉત્સાહિત દેખાયા હતા.
IMC 2026ની 10મી આવૃત્તિનું આયોજન ટેલિકોમ્યુનિકેશન્સ વિભાગ અને સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (COAI) દ્વારા કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 7થી 10 ઓક્ટોબર દરમિયાન રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં યોજાઈ રહ્યો છે.
આકાશ અંબાણીએ કહ્યું કે કંપનીનો ઉદ્દેશ્ય ગ્રાહકો માટે નવી અને અસરકારક સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. સાથે જ ભારતને માત્ર ટેક્નોલોજીનો ઉપયોગ કરતો દેશ નહીં, પરંતુ ટેક્નોલોજીનું નિર્માણ કરતો દેશ બનાવવાનો છે. તેમણે કહ્યું કે વડાપ્રધાનનું ઉદ્યોગ માટેનું વિઝન તેમને પ્રેરણા આપે છે અને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે. મુખ્ય સંદેશ એ છે કે ભારતે ટેક્નોલોજીનું નિર્માણ કરનાર દેશ બનવું જોઈએ અને Jio આ દિશામાં કામ કરી રહ્યું છે.
તેમણે ઉમેર્યું કે Jio માટે આ એક મોટી તક છે, કારણ કે કંપનીએ તાજેતરમાં જ પોતાના 10 વર્ષ પૂર્ણ કર્યા છે. આ દરમિયાન, IMC 2026માં Jioએ સેટેલાઇટ કનેક્ટિવિટી સાથે જોડાયેલી પોતાની યોજના પણ રજૂ કરી. કંપની લગભગ 1,600 લો અર્થ ઓર્બિટ (LEO) ઉપગ્રહોનું સમૂહ તૈયાર કરવાની યોજના પર કામ કરી રહી છે. આ ઉપરાંત સમગ્ર ભારતમાં 23 ગ્રાઉન્ડ સ્ટેશન સ્થાપિત કરવાની યોજના છે, જેના દ્વારા એવા વિસ્તારોમાં કનેક્ટિવિટી પહોંચાડી શકાશે જ્યાં જમીન આધારિત નેટવર્ક સ્થાપિત કરવું મુશ્કેલ છે.
Jioએ આ પહેલને ‘સોવરીન સેટેલાઇટ કનેક્ટિવિટી’ તરીકે રજૂ કરી છે. આ અંતર્ગત ડિઝાઇન, એન્જિનિયરિંગ અને ઇન્ટિગ્રેશનથી લઈને ઉપગ્રહોના પ્રક્ષેપણ અને સંચાલન સુધીની સમગ્ર વેલ્યુ ચેઇનને ભારતમાં જ રાખવાનો લક્ષ્ય છે.
ઉલ્લેખનીય છે કે આજે ગુરુવારે દિવસની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ IMCની 10મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે કહ્યું કે ભારતનું ટેલિકોમ ક્ષેત્ર હવે માત્ર નેટવર્ક અને સ્પેક્ટ્રમ સુધી મર્યાદિત નથી અને મોબાઇલ કનેક્ટિવિટી સુશાસનને સક્ષમ બનાવતી મહત્વપૂર્ણ શક્તિ તરીકે ઉભરી આવી છે. મોબાઇલ ફોન સુશાસનનું એક સાધન બની ગયો છે. તેમણે જણાવ્યું કે 5G કનેક્ટિવિટી હવે દેશના દરેક જિલ્લામાં પહોંચી ચૂકી છે. દેશમાં 5.5 લાખથી વધુ બેઝ સ્ટેશન છે અને મોબાઇલ ઇન્ટરનેટની ઝડપ 2022ની સરખામણીમાં 10 ગણી વધુ થઈ ગઈ છે.
LEO સેટેલાઇટ એટલે શું? LEO એટલે લો અર્થ ઓર્બિટ, જેમાં ઉપગ્રહને પૃથ્વીની નજીકની ભ્રમણકક્ષામાં મોકલવામાં આવે છે. Jio પોતાના સેટેલાઇટ નેટવર્ક માટે કુલ 1,600થી વધુ સેટેલાઇટ મોકલવાની તૈયારી કરી રહી છે. કંપની 2030 સુધીમાં આશરે 400-450 સેટેલાઇટ મોકલશે. આ માટે Jioએ ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર (IN-SPACe) પાસેથી મંજૂરી મેળવી લીધી છે.
કંપનીનો ઉદ્દેશ્ય એવા વિસ્તારોમાં હાઇ-સ્પીડ બ્રોડબેન્ડ પહોંચાડવાનો છે જ્યાં પરંપરાગત ફાઇબર કે ટાવર આધારિત નેટવર્ક પહોંચાડવું મુશ્કેલ છે. સેટેલાઇટ ઇન્ટરનેટથી દેશના દૂરસ્થ અને ગ્રામીણ વિસ્તારોમાં કનેક્ટિવિટીમાં મોટો ફેરફાર આવવાની અપેક્ષા છે.