રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ડિજિટલ સેવા કંપની જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડના મેગા IPOની ઔપચારિક જાહેરાત કરવામાં આવી છે. આ અંગે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કંપનીના મેનેજિંગ ડિરેક્ટર આકાશ અંબાણીએ મહત્ત્વની જાહેરાતો કરી હતી.
આકાશ અંબાણીએ જણાવ્યું કે, આ IPO પછી કંપની સંપૂર્ણપણે દેવામુક્ત થઈ જશે. તેમણે કહ્યું કે IPO લાવવાનો મુખ્ય હેતુ કંપનીના દેવાને નાબૂદ કરવાનો અને બિઝનેસનો વ્યાપ વધારવાનો છે. જિયોની ટેક્નોલોજી હવે અત્યંત અદ્યતન બની ગઈ છે અને તે માત્ર વિકાસશીલ દેશો પૂરતી મર્યાદિત ન રહેતાં વિકસિત દેશોને પણ સેવાઓ પૂરી પાડશે.
તેમણે 6G સેવા અંગે મોટી જાહેરાત કરતાં કહ્યું કે, ભારતમાં વર્ષ 2030 સુધીમાં 6G સેવા શરૂ કરવામાં આવશે. કંપનીનું લક્ષ્ય દેશના દરેક નાગરિક અને દરેક ઘર સુધી જિયોની સેવાઓ પહોંચાડવાનું છે. જિયો મારફતે દરેક નાના-મોટા વેપાર સુધી સરળ અને સસ્તી ડિજિટલ સેવાઓ પહોંચાડવામાં આવશે. તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ષ 2047 સુધીમાં 'વિકસિત ભારત' બનાવવાના સંકલ્પને પૂર્ણ કરવામાં રિલાયન્સ મહત્ત્વની ભૂમિકા ભજવશે અને ભારતને સક્ષમ ડિજિટલ સોસાયટી તરીકે સ્થાપિત કરવાની દિશામાં કામ કરશે.
IPOની ઔપચારિક જાહેરાત પહેલાં રિલાયન્સ રિટેલ વેન્ચર્સના વડા ઈશા અંબાણીએ જણાવ્યું કે, નાણાકીય સમજદારી અને બિઝનેસ અમારા DNAમાં છે. એક સમયે પશ્ચિમી દેશો જેવી કનેક્ટિવિટી આપણા દેશ પાસે નહોતી. તે સમયે આકાશ અંબાણીનું માનવું હતું કે દરેક નાગરિકને જોડી શકે તેવું ડિજિટલ ટેક્નોલોજી પ્લેટફોર્મ ઊભું કરવું એ જ સાચો ઉકેલ છે. આ વિઝન સાથે વર્ષ 2016માં જિયો લોન્ચ થયું હતું અને આજે 2026માં તેની સફળતા જોઈ રહ્યા છીએ.
ઈશા અંબાણીએ રિલાયન્સની બિઝનેસ ફિલોસોફી અંગે કહ્યું કે આકાશના વિચારો પાછળ હંમેશાં લાંબા ગાળાનું વિઝન રહેલું હોય છે. રિલાયન્સમાં અમે ફક્ત આજ કે કાલ માટે આયોજન નથી કરતા, પરંતુ આવનારા દાયકાઓને ધ્યાનમાં રાખીને રણનીતિ ઘડીએ છીએ. ભવિષ્યને ધ્યાનમાં રાખીને કામ કરવાની આ વિચારસરણીએ જ અમારા સમગ્ર કારોબારને નવી ઊંચાઈ અને નવો આયામ આપ્યો છે.
પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત કોટક મહિન્દ્રાના ચેરમેન ઉદય કોટકે જણાવ્યું કે, માર્કેટ કેપિટલાઈઝેશનની દૃષ્ટિએ રિલાયન્સ આજે ભારતની સૌથી મોટી કંપની છે. છેલ્લા લગભગ 20 વર્ષથી દેશમાં પોતાના કારોબારનો વ્યાપ વધારનારા રિલાયન્સ ગ્રૂપનો આ પ્રથમ IPO છે. તેમણે રિલાયન્સની નવી પેઢીના નેતૃત્વની પ્રશંસા કરતાં કહ્યું કે, આકાશ અંબાણી અને ઈશા અંબાણી બંને પોતાના વ્યવસાયમાં શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યા છે અને એક પિતા તરીકે મુકેશ અંબાણી માટે તેમને આગળ વધતા જોવા ગૌરવપૂર્ણ બાબત છે.
ઉદય કોટકે વધુમાં ઉમેર્યું કે, રિલાયન્સની પહેલ અને સતત પ્રયાસોનું પરિણામ છે કે આજે ભારતમાં 100 કરોડથી વધુ 4G અને 5G ડેટા યુઝર્સ છે.