સત્ય. સાહસ. સંકલ્પ.

જિયો પ્લેટફોર્મ્સનું IPO: દેશનો સૌથી મોટો ઈશ્યૂ, ₹30,200 કરોડ એકઠા કરવાની યોજના

જિયો પ્લેટફોર્મ્સનું IPO: દેશનો સૌથી મોટો ઈશ્યૂ, ₹30,200 કરોડ એકઠા કરવાની યોજના

જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ તેના આઈપીઓ માટે શેરનો ભાવ બેન્ડ ₹1,065થી ₹1,119 પ્રતિ શેર નક્કી કરી શકે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ડિજિટલ કંપનીનો આ આઈપીઓ 21 ઓક્ટોબરે ખુલવાની ધારણા છે. આ દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ હશે, જેમાંથી કંપની લગભગ ₹30,200 કરોડ એકઠા કરશે. આ પહેલાં 2024માં હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયાનો ₹27,858 કરોડનો આઈપીઓ સૌથી મોટો હતો.

આઈપીઓ સંબંધિત સંભવિત તારીખો આ પ્રમાણે છે: એન્કર રોકાણકારો માટે 19 ઓક્ટોબરે ખુલશે. સામાન્ય જનતા માટે 21 ઓક્ટોબરે ખુલશે અને 23 ઓક્ટોબરે બંધ થશે. શેરબજારમાં લિસ્ટિંગ 28 ઓક્ટોબરથી થઈ શકે છે. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર આ તારીખો અંગે હજુ ચર્ચા ચાલી રહી છે. બજારના માહોલને ધ્યાનમાં રાખીને શેરની કિંમત, કંપનીનું મૂલ્યાંકન અને તારીખોમાં ફેરફાર થઈ શકે છે. આ અંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

આ ઈશ્યૂ સંપૂર્ણપણે 'ફ્રેશ ઈશ્યૂ' હશે. તેમાં કોઈ પણ હાલના શેરધારક પોતાનો હિસ્સો વેચશે નહીં. એટલે કે આઈપીઓથી એકત્ર થયેલી સંપૂર્ણ રકમ સીધી કંપની પાસે જશે.

જિયો પ્લેટફોર્મ્સ હાલમાં દેશની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર છે. FY26ના અંત સુધીમાં કંપનીનો કુલ સબસ્ક્રાઇબર બેઝ 52.44 કરોડ હતો, જે એક વર્ષ પહેલાં FY25માં 48.82 કરોડ હતો.

જિયો પ્લેટફોર્મ્સ રિલાયન્સની ટેક કંપની છે, જેનું મુખ્ય મથક મુંબઈમાં છે. ભારતમાં સૌથી મોટું મોબાઇલ નેટવર્ક ચલાવવા ઉપરાંત, આ કંપની દુનિયાની અન્ય ટેલિકોમ કંપનીઓને અદ્યતન 5G સેવાઓ અને ટેક્નોલોજી પૂરી પાડે છે. તેની પાસે 5G સાથે જોડાયેલા તમામ જરૂરી સોફ્ટવેર, નેટવર્ક સેવાઓ અને AI ટૂલ્સ ઉપલબ્ધ છે. આ ટેક્નોલોજીની મદદથી મોટી કંપનીઓ અને ખાનગી નેટવર્ક્સ માટે 5Gનો ઉપયોગ સરળ બની જાય છે, જેને ઇન્ટરનેટ ક્લાઉડ પર પણ ચલાવી શકાય છે.