સત્ય. સાહસ. સંકલ્પ.

જિયો પ્લેટફોર્મ્સનો ₹30,213 કરોડનો IPO: 21 ઓક્ટોબરથી સબ્સ્ક્રિપ્શન ખુલશે

જિયો પ્લેટફોર્મ્સનો ₹30,213 કરોડનો IPO: 21 ઓક્ટોબરથી સબ્સ્ક્રિપ્શન ખુલશે

જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ (JPL)નો ₹30,213 કરોડનો IPO 21 થી 23 ઓક્ટોબર, 2026 દરમિયાન સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે. એક શેરનો ભાવ ₹1,065 થી ₹1,119 રાખવામાં આવ્યો છે.

જિયો પ્લેટફોર્મ્સ હાલ ભારતની સૌથી મોટી ડિજિટલ કનેક્ટિવિટી કંપની છે. IPO પહેલાં GEPL કેપિટલ, વેન્ચુરા સિક્યોરિટીઝ અને SMC ગ્લોબલ જેવી બ્રોકરેજ સંસ્થાઓએ તેમના રિપોર્ટમાં કંપનીની વૃદ્ધિની શક્યતાઓ દર્શાવી છે. વેન્ચુરા સિક્યોરિટીઝે આ ઈશ્યુને "Subscribe" રેટિંગ આપ્યું છે.

2G ગ્રાહકોને 4G/5G પર લાવવાની તક

જૂન 2026 સુધીમાં જિયોના કુલ ગ્રાહકોની સંખ્યા 53.33 કરોડ થઈ છે, જેમાંથી 28.49 કરોડ 5G ગ્રાહકો છે. રિપોર્ટ મુજબ 30 જૂન 2026 સુધીમાં દેશમાં 26.10 કરોડ ગ્રાહકો હજુ પણ 2G નેટવર્ક વાપરી રહ્યા છે. ₹799ના જિયોભારત ફોન અને સસ્તા પ્લાન દ્વારા કંપની આ ગ્રાહકોને પોતાની સાથે જોડી શકે છે.

ગ્રાહક દીઠ સરેરાશ કમાણી (ARPU) નાણાકીય વર્ષ 2024માં ₹181.7 હતી, જે Q1FY27માં વધીને ₹215.6 થઈ છે. માસિક ડેટા વપરાશ પણ વધીને 43.7 GB થયો છે.

હોમ બ્રોડબેન્ડમાં મોટી તક

જૂન 2026 સુધીમાં જિયોફાઇબર અને જિયોએરફાઇબર મળીને કુલ 2.86 કરોડ સબ્સ્ક્રાઇબર ધરાવે છે, જેમાં 1.40 કરોડ જિયોએરફાઇબર ગ્રાહકોનો સમાવેશ થાય છે. દેશમાં ફિક્સ્ડ બ્રોડબેન્ડની પહોંચ FY26માં માત્ર 21% છે, જે FY31 સુધીમાં 46% થવાનો અંદાજ છે. SMC ગ્લોબલના મતે, જ્યાં કેબલ કે ફાઇબર પહોંચાડવું મુશ્કેલ છે ત્યાં પણ જિયોએરફાઇબર દ્વારા બ્રોડબેન્ડ સેવા પહોંચાડી ગ્રાહક આધાર વધારી શકાશે.

ટેલિકોમ ઉપરાંત ટેકનોલોજી કંપની

નિષ્ણાતો જિયોને માત્ર ટેલિકોમ ઓપરેટર નહીં, પણ ટેકનોલોજી પ્લેટફોર્મ ગણાવે છે. કંપનીએ પોતાના દમ પર 5G સ્ટેન્ડઅલોન સ્ટેક વિકસાવ્યો છે અને 4G, 5G, 6G, AI તથા ડિજિટલ ટેકનોલોજીમાં 7,220 પેટન્ટ અરજી કરી છે, જેમાંથી 1,043 મંજૂર થઈ છે. કંપનીનું પોતાનું AI પ્લેટફોર્મ 'JioBrain' નેટવર્ક ઓપરેશન્સમાં લગાવવામાં આવી રહ્યું છે.

વિદેશમાં ટેકનોલોજી વેચવાની યોજના

GEPLના રિપોર્ટ મુજબ, જિયો પોતાની સ્વદેશી ટેકનોલોજી વિદેશી ટેલિકોમ ઓપરેટરોને વેચવાની યોજના ધરાવે છે. 5G કોર, ક્લાઉડ-નેટિવ RAN, OSS/BSS અને ફિક્સ્ડ વાયરલેસ એક્સેસ ટેકનોલોજીના વેચાણથી કંપનીને વિદેશી બજારમાંથી પણ આવક મળી શકે છે. તેમજ JioBrain AI પ્લેટફોર્મ અને ઓટોનોમસ નેટવર્ક ક્ષમતાઓ વૈશ્વિક ટેલિકોમ ઓપરેટરો સુધી પહોંચાડવાની યોજના છે.

નોંધ: આ સમાચાર IPO વિશેની માહિતી છે. રોકાણનો નિર્ણય કરતાં પહેલાં સંબંધિત દસ્તાવેજો વાંચવા અને નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.