સત્ય. સાહસ. સંકલ્પ.

જિયો પ્લેટફોર્મ્સનો ₹30,213 કરોડનો IPO 21 ઓક્ટોબરથી ખુલશે, દેશનો સૌથી મોટો IPO બનશે

જિયો પ્લેટફોર્મ્સનો ₹30,213 કરોડનો IPO 21 ઓક્ટોબરથી ખુલશે, દેશનો સૌથી મોટો IPO બનશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ડિજિટલ સેવા કંપની જિયો પ્લેટફોર્મ્સનો ₹30,213 કરોડનો IPO 21 ઓક્ટોબર, 2026થી 23 ઓક્ટોબર, 2026 સુધી રોકાણકારો માટે ખુલશે. આ ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO બનશે.

15 ઓક્ટોબરે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ડિજિટલ સેવા કંપની જિયો પ્લેટફોર્મ્સના મેગા IPO અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ કાર્યક્રમમાં કંપનીના નેતૃત્વે ભારતના આ સૌથી મોટા IPO અને ભવિષ્યના રોડમેપ અંગે મહત્વની જાહેરાતો કરી હતી.

આ દરમિયાન ગુજરાત સમાચારના પ્રશ્નનો જવાબ આપતાં રિલાયન્સ જિયોના ચેરમેન આકાશ અંબાણીએ ગુજરાત સાથેના પોતાના ગાઢ સંબંધો યાદ કર્યા હતા. ગુજરાત સમાચારે પૂછ્યું હતું કે ગુજરાત હંમેશા રિલાયન્સ માટે મહત્વનું બજાર રહ્યું છે અને અહીં રિટેલ રોકાણકારો તથા ઉદ્યોગસાહસિકોનો મજબૂત આધાર છે. જિયો હવે વિકાસના આગળના તબક્કામાં પ્રવેશી રહ્યું છે, ત્યારે કંપનીના વિસ્તારમાં ગુજરાતની ભૂમિકા કેવી રહેશે?

જવાબમાં આકાશ અંબાણીએ કહ્યું, "અમે ગુજરાતના છીએ. અમે પોતાને ખૂબ જ ગર્વથી એક ગુજરાતી પરિવાર તરીકે ઓળખાવીએ છીએ. અમારા દાદા ચોરવાડના છે, અમારા દાદી જામનગરના છે. એટલે અમને ગુજરાતી પરિવાર હોવાનો ખૂબ જ ગર્વ છે. ગુજરાત હંમેશા અમારા વિકાસનું એક મુખ્ય કેન્દ્ર રહ્યું છે. અને આ રાજ્ય માટે અમને જેટલો પ્રેમ છે, અમે આશા રાખીએ છીએ કે, જેમ કોટકે કહ્યું, આ ભારતનો સૌથી મોટો IPO છે. અમે દેશભરમાં દરેક સુધી પહોંચવા માંગીએ છીએ અને અમારા ગ્રાહક અનુભવ દ્વારા સાચું મૂલ્ય પહોંચાડવા માંગીએ છીએ, ભારતની દરેક વ્યક્તિ સુધી. અને અમને ખૂબ જ ગર્વ છે અમે એક ગુજરાતી પરિવાર છીએ."

આ IPOનું કુલ કદ ₹30,213 કરોડ (ઉપરી પ્રાઈસ બેન્ડ મુજબ) છે. આ સાથે જિયો હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના ₹27,870 કરોડના IPOનો રેકોર્ડ તોડી નાખશે. પ્રાઈસ બેન્ડ ₹1,065થી ₹1,119 પ્રતિ શેર રાખવામાં આવ્યો છે. IPO 21 ઓક્ટોબરે ખુલશે અને 23 ઓક્ટોબરે બંધ થશે.

એપ્રિલ 2026થી જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકેની જવાબદારી સંભાળનાર આકાશ અંબાણીએ જાહેરાત કરી હતી કે આ IPO લાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય કંપનીના દેવાને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો અને બિઝનેસનો વ્યાપ વધારવાનો છે. તેમણે એ પણ જણાવ્યું કે ભારતમાં વર્ષ 2030 સુધીમાં 6G સેવા શરૂ કરી દેવામાં આવશે. જિયોની ટેકનોલોજી હવે માત્ર વિકાસશીલ દેશો પૂરતી સીમિત ન રહેતાં વિકસિત દેશોને પણ સેવાઓ પૂરી પાડશે.

જિયો દરેક નાના-મોટા વેપાર અને ઘર સુધી સરળ તથા સસ્તી ડિજિટલ સેવાઓ પહોંચાડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ષ 2047 સુધીમાં 'વિકસિત ભારત' બનાવવાના સંકલ્પમાં રિલાયન્સ મહત્વની ભૂમિકા ભજવશે.

રિલાયન્સ રિટેલ વેન્ચર્સના વડા ઈશા અંબાણીએ જણાવ્યું કે નાણાકીય સમજદારી અને આર્થિક સૂઝબૂઝ રિલાયન્સના DNAમાં છે. તેમણે યાદ અપાવ્યું કે 2016માં આકાશ અંબાણીના વિઝન સાથે જિયો લોન્ચ થયું હતું અને 2026માં સૌ તેની સફળતા જોઈ રહ્યા છે. રિલાયન્સમાં માત્ર આજ કે કાલ માટે નહીં, પરંતુ આવનારા દાયકાઓને ધ્યાનમાં રાખીને દીર્ઘકાલીન રણનીતિ ઘડવામાં આવે છે.

કોટક મહિન્દ્રાના ચેરમેન ઉદય કોટકે જણાવ્યું કે માર્કેટ કેપિટલાઈઝેશનની દ્રષ્ટિએ રિલાયન્સ ભારતની સૌથી મોટી કંપની છે. છેલ્લા 20 વર્ષમાં દેશમાં કારોબાર વધારનારા રિલાયન્સ ગ્રૂપનો આ પ્રથમ IPO છે. તેમણે ઉમેર્યું કે રિલાયન્સના પ્રયાસોથી આજે ભારતમાં 100 કરોડથી વધુ ડેટા યુઝર્સ છે.