સત્ય. સાહસ. સંકલ્પ.

જિયો પ્લેટફોર્મ્સ IPOનો આજે છેલ્લો દિવસ: 6 ગણાથી વધુ સબસ્ક્રાઇબ, 20%થી વધુ વળતરની શક્યતા

જિયો પ્લેટફોર્મ્સ IPOનો આજે છેલ્લો દિવસ: 6 ગણાથી વધુ સબસ્ક્રાઇબ, 20%થી વધુ વળતરની શક્યતા

દેશના સૌથી મોટા આઈપીઓમાંના એક ગણાતા જિયો પ્લેટફોર્મ્સના આઈપીઓમાં રોકાણ કરવાનો આજે 23 ઑક્ટોબરે છેલ્લો દિવસ છે. સવારે 10 વાગ્યા સુધીમાં આ ઇશ્યૂ 6 ગણાથી વધુ સબસ્ક્રાઇબ થઈ ચૂક્યો છે.

કંપનીના 19.75 કરોડ શેરોની સામે 119 કરોડ શેરો માટે બિડ મળી છે. સંસ્થાકીય રોકાણકારોનો ક્વોટા 13 ગણો અને રિટેલ રોકાણકારોનો ભાગ 1.76 ગણો ભરાયો છે.

જિયો આ આઈપીઓ દ્વારા કુલ ₹30,213 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. જોકે, ઇશ્યૂ ખુલતાં પહેલાં જ કંપનીએ એન્કર રોકાણકારોને શેર ફાળવીને ₹8,110 કરોડ એકત્ર કરી લીધા હતા. એન્કર ક્વોટા બાદ સામાન્ય જનતા અને સંસ્થાકીય ખરીદદારો માટે પ્રાઇમરી માર્કેટમાં આશરે ₹22,103 કરોડનો નેટ ઇશ્યૂ રાખવામાં આવ્યો છે.

આઈપીઓ પહેલા દિવસે એટલે કે 21 ઑક્ટોબરે 3.02 ગણો ભરાયો હતો. 19.75 કરોડ શેરો સામે 59.68 કરોડ શેરોની માંગ આવી હતી. બીજા દિવસે સંસ્થાકીય રોકાણકારોની ભારે બિડિંગને કારણે આ આંકડો 3.50 ગણાથી વધુ થઈ ગયો હતો.

જિયોના એક શેરની કિંમત ₹1,065થી ₹1,119 પ્રાઇસ બેન્ડમાં છે. સામાન્ય રોકાણકારે ઓછામાં ઓછા ₹13,428નું રોકાણ કરવું પડશે, જ્યારે મહત્તમ 14 લોટ એટલે કે 168 શેર માટે અરજી કરી શકાય છે, જેના માટે ₹1.87 લાખ જરૂરી થશે.

લિસ્ટિંગ પહેલાં કંપનીનો શેર ગ્રે માર્કેટમાં 23% એટલે કે પ્રતિ શેર ₹258ના પ્રીમિયમ પર પહોંચ્યો છે. ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) મુજબ જોવામાં આવે તો અપર પ્રાઇસ બેન્ડ ₹1,119ના આધારે લિસ્ટિંગ ₹1,377 (1119+258) પર થઈ શકે છે.

આઈપીઓમાંથી મળનારી રકમનો ઉપયોગ કંપનીની મુખ્ય સબ્સિડિયરી રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડ (RJIL)ના દેવાની ચુકવણી અને જનરલ કોર્પોરેટ કામો માટે કરવામાં આવશે. ઇશ્યૂ બાદ પ્રમોટર અને પ્રમોટર ગ્રુપની હિસ્સેદારી 66.43%થી ઘટીને 64.48% થશે, જ્યારે જાહેર શેરહોલ્ડિંગ 33.57%થી વધીને 35.52% થશે.

એન્કર બુક એટલે કંપનીની 'એડવાન્સ ટેસ્ટ'. કોઈપણ આઈપીઓમાં મ્યુચ્યુઅલ ફંડ્સ, વિદેશી રોકાણકારો અને વીમા કંપનીઓ જેવા મોટા રોકાણકારો માટે અનામત કોટા હોય છે. આઈપીઓ સામાન્ય જનતા માટે ખુલવાના એક દિવસ પહેલાં આ મોટા રોકાણકારોને એન્કર બુક હેઠળ શેર ફાળવવામાં આવે છે. જ્યારે મોટા અને અનુભવી રોકાણકારો કંપનીના એન્કર બુકમાં મોટી રકમનું રોકાણ કરે છે, ત્યારે તેનાથી કંપનીની વિશ્વસનીયતા મજબૂત થાય છે અને રિટેલ રોકાણકારોનો પણ આઈપીઓ પર વિશ્વાસ વધે છે.