ભારતીય શેરબજારમાં જિયો પ્લેટફોર્મ્સના પ્રસ્તાવિત IPO પહેલાં જ મોટો ધમાકો જોવા મળ્યો છે. કંપનીની રૂ. 8,110 કરોડની એન્કર બુકમાં રોકાણકારોએ રૂ. 2.5 લાખ કરોડથી વધુની જંગી બોલીઓ લગાવી છે. આ આંકડો સ્પષ્ટ દર્શાવે છે કે શેરબજારમાં એન્ટ્રી લેતા પહેલા જ જિયો માટે ઓફર કરાયેલી રકમ કરતાં 30 ગણી વધુ માંગ ઊભી થઈ છે. આ જંગી માંગમાં દુનિયાભરના મોટા એસેટ મેનેજર્સ અને સોવરિન વેલ્થ ફંડ્સની સાથે ભારતનાં અગ્રણી મ્યુચ્યુઅલ ફંડ્સ પણ સામેલ છે.
શેરબજારના નિષ્ણાતો અને આ બાબતના જાણકારોના મતે, આટલા મોટા પાયે સંસ્થાકીય રોકાણકારોને આકર્ષિત કરનાર આ ભારતનો પહેલો IPO બની ગયો છે.
જિયો પ્લેટફોર્મ્સમાં રોકાણ કરવા માટે વિદેશી નાણાકીય સંસ્થાઓએ પડાપડી કરી છે. રસ ધરાવનારા મુખ્ય વૈશ્વિક રોકાણકારોમાં બ્લેકરોક, કેપિટલ ગ્રુપ, ફિડેલિટી ઇન્વેસ્ટમેન્ટ્સ અને ટી. રો પ્રાઇસ જેવી વિશ્વવિખ્યાત એસેટ મેનેજમેન્ટ કંપનીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત શ્રોડર્સ, જેપી મોર્ગન, ફ્રેન્કલિન ટેમ્પલટન, ઇન્વેસ્કો અને જાનુસ હેન્ડરસન જેવી કંપનીઓએ પણ મોટા પાયે બોલી લગાવી છે. માત્ર ખાનગી કંપનીઓ જ નહીં, પરંતુ વિવિધ દેશોની સરકારોના હસ્તક ચાલતા સોવરિન વેલ્થ ફંડોએ પણ જિયોમાં ભારે રસ દર્શાવ્યો છે. જેમાં સિંગાપોરના GIC, નોર્વેના નોર્જેસ બેંક ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ, અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (ADIA) અને કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (QIA) મુખ્ય છે. આ અંગે માહિતી આપતા એક સૂત્રએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, આ ઈશ્યૂએ અનેક અબજ ડોલરની બોલીઓ આકર્ષી છે.
વિદેશી રોકાણકારોની સાથે સાથે દેશના સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ પણ એન્કર બુકમાં મોટી ભાગીદારી નોંધાવી છે. ભારતના ટોચના 10 મ્યુચ્યુઅલ ફંડ હાઉસિસે જિયોમાં રોકાણ કરવાની ઈચ્છા દર્શાવી છે. જેમાં દેશના નામાંકિત ફંડો જેવા કે SBI, ICICI પ્રુડેન્શિયલ, HDFC, આદિત્ય બિરલા સન લાઇફ, નિપ્પોન ઇન્ડિયા અને કોટક મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડનો સમાવેશ થાય છે. મ્યુચ્યુઅલ ફંડ્સ ઉપરાંત દેશની મોટી વીમા અને પેન્શન સંસ્થાઓ પણ આ તક ચૂકવા માંગતી નથી. લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC), HDFC લાઇફ, SBI લાઇફ, SBI પેન્શન, HDFC પેન્શન અને ICICI પ્રુડેન્શિયલ પણ આ રેસમાં જોડાયા હોવાનું જાણવા મળે છે. ટેકનોલોજી પર ફોકસ કરતા વૈશ્વિક ફંડો અને ફેમિલી ઓફિસોની એન્ટ્રીથી આ IPO નું લિસ્ટ ખૂબ જ મજબૂત બની ગયું છે.
જિયો પ્લેટફોર્મ્સ હવે તેની પેરન્ટ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડથી અલગ થઈને શેરબજારમાં એક સ્વતંત્ર એન્ટિટી તરીકે લિસ્ટ થવાની તૈયારી કરી રહ્યું છે. જિયો હવે માત્ર એક ટેલિકોમ ઓપરેટર પૂરતું સીમિત રહ્યું નથી, પરંતુ તેનો ડિજિટલ વ્યાપ ઘણો મોટો થઈ ગયો છે. આજે જિયો પ્લેટફોર્મ્સ મોબાઇલ કનેક્ટિવિટીની સાથે બ્રોડબેન્ડ, ક્લાઉડ કમ્પ્યુટિંગ, ડિજિટલ મનોરંજન અને એન્ટરપ્રાઇઝ સોલ્યુશન્સ જેવી આધુનિક સેવાઓ પૂરી પાડે છે. આ પ્રસ્તાવિત લિસ્ટિંગથી રોકાણકારોને સીધી જ જિયોના ડિજિટલ બિઝનેસમાં ભાગીદારી કરવાની તક મળશે.
રૂ. 8,110 કરોડની એન્કર બુક સામે રૂ. 2.5 લાખ કરોડની બોલી આવવી એ ભારતીય કોર્પોરેટ જગત માટે એક ઐતિહાસિક ઘટના છે. હવે બજારની નજર આ IPO ની સત્તાવાર જાહેરાત અને તેના પબ્લિક માર્કેટમાં પ્રવેશ પર ટકેલી છે.