સત્ય. સાહસ. સંકલ્પ.

જિયો IPOએ ત્રણ દિવસમાં 7 રેકોર્ડ બનાવ્યા, 22 ગણો સબ્સ્ક્રાઇબ થયો

જિયો IPOએ ત્રણ દિવસમાં 7 રેકોર્ડ બનાવ્યા, 22 ગણો સબ્સ્ક્રાઇબ થયો

રિલાયન્સ જિયોએ 5 સપ્ટેમ્બર 2016ના રોજ મફત સિમ અને છ મહિના મફત ઇન્ટરનેટ આપીને શરૂ કરેલી સફર હવે શેર બજારમાં ઐતિહાસિક રેકોર્ડ સાથે ચર્ચામાં છે. જિયો પ્લેટફોર્મ્સનો IPO ભારતનો સૌથી મોટો ઇશ્યૂ બન્યો છે અને ત્રણ દિવસમાં તેણે સાત રેકોર્ડ સ્થાપ્યા છે.

પ્રથમ રેકોર્ડ: વિશ્વનો પ્રથમ એવો IPO જેને 1 કરોડથી વધુ વ્યક્તિગત રોકાણકારોની અરજીઓ મળી. આ પહેલાં આ રેકોર્ડ વારી એનર્જીઝના નામે હતો, જેને લગભગ 97.3 લાખ અરજીઓ મળી હતી.

બીજો રેકોર્ડ: ₹30,213 કરોડના ઇશ્યૂ કદ સાથે જિયો પ્લેટફોર્મ્સનો IPO ભારતના ઇતિહાસનું સૌથી મોટું ઇક્વિટી ઓફરિંગ બન્યું છે. અગાઉ આ રેકોર્ડ હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાના નામે હતો.

ત્રીજો રેકોર્ડ: એન્કર બુક સહિત કુલ શેરની માંગ ₹7.4 લાખ કરોડ રહી, જેમાં પબ્લિક સબ્સ્ક્રિપ્શન કેટેગરીમાંથી ₹4.9 લાખ કરોડથી વધુની બિડ મળી. એન્કર બુક બહારની બિડની વેલ્યુની દૃષ્ટિએ આ ભારતનો સૌથી મોટો IPO બન્યો, જેણે LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાના 2025 IPOનો રેકોર્ડ તોડ્યો. એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવવામાં આવેલા ₹8,110 કરોડના શેરો સામે આશરે ₹2.5 લાખ કરોડની માંગ મળી.

ચોથો રેકોર્ડ: આખો ઇશ્યૂ 27 કરોડ નવા ફ્રેશ શેરનો હતો. ઓફર ફોર સેલ (OFS) ધરાવતા IPOથી વિપરીત, તેમાં પેરન્ટ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કે વ્યૂહાત્મક રોકાણકારો મેટા અને ગૂગલે પોતાનો કોઈ હિસ્સો વેચ્યો નથી.

પાંચમો રેકોર્ડ: પહેલા જ દિવસે ખુલ્યાના 100 મિનિટથી ઓછા સમયમાં ઇશ્યૂ સંપૂર્ણપણે સબ્સ્ક્રાઇબ થઈ ગયો. અગાઉ ₹15,000 કરોડથી વધુના ભારતીય IPOને પૂરો ભરાતાં સામાન્ય રીતે 2થી 3 દિવસ લાગતા હતા.

છઠ્ઠો રેકોર્ડ: ભારે અરજીઓના વોલ્યુમને કારણે BSE અને NSEએ બિડિંગનો સમય વધાર્યો. સામાન્ય રીતે સવારે 10થી સાંજે 5 સુધી ચાલતી બિડિંગ વિન્ડો આ ઇશ્યૂ માટે સવારે 9થી સાંજે 7 સુધી ચલાવવામાં આવી.

સાતમો રેકોર્ડ: ₹1,119 પ્રતિ શેરના ઉપરના પ્રાઇસ બેન્ડ પર જિયો પ્લેટફોર્મ્સનું લિસ્ટિંગ પછીનું માર્કેટ કેપિટલાઇઝેશન આશરે ₹10.3 લાખ કરોડ રહેવાનો અંદાજ છે. ટ્રેડિંગના પહેલા જ દિવસે તે ભારતની ટોચની 4-5 સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપનીઓમાં સામેલ થઈ જશે.

NSE મુજબ, ત્રણ દિવસમાં આ IPO કુલ 22.19 ગણો સબ્સ્ક્રાઇબ થયો. રોકાણકારોએ ઓફર માટે રાખવામાં આવેલા 19.75 કરોડ શેર સામે 438 કરોડથી વધુ શેરો માટે બોલી લગાવી.

સંસ્થાકીય રોકાણકારો (QIBs)એ સૌથી વધુ રસ દાખવ્યો. તેમનો અનામત હિસ્સો 70.55 ગણો ભરાયો, જેમાં 4.9 કરોડ શેર સામે 345.75 કરોડથી વધુ શેરની બિડ મળી. નોન-ઇન્સ્ટિટ્યૂશનલ રોકાણકારો (NIIs)નો હિસ્સો 14 ગણો ભરાયો, જ્યાં 3.64 કરોડ શેર સામે 51.03 કરોડ શેરની બિડ આવી. રિટેલ રોકાણકારો (RII) કેટેગરીમાં 8.5 કરોડ અનામત શેર સામે 23.11 કરોડ શેરની બિડ મળી, જેથી આ હિસ્સો 2.72 ગણો સબ્સ્ક્રાઇબ થયો.

ફ્રેશ ઇશ્યૂમાં કંપની નવા શેર બહાર પાડીને બજારમાંથી ભંડોળ ઊભું કરે છે, જેનો ઉપયોગ વ્યવસાયના વિસ્તરણમાં થાય છે. ઓફર ફોર સેલ (OFS)માં હાલના પ્રમોટર્સ કે રોકાણકારો પોતાના શેર વેચીને નફો વસૂલે છે, પરંતુ આ નાણાં કંપનીને મળતાં નથી.