સત્ય. સાહસ. સંકલ્પ.

રિલાયન્સ જિયોનો IPO 1 કરોડ અરજીઓ સાથે વિશ્વનો સૌથી મોટો, 20 ગણો સબ્સ્ક્રાઇબ

રિલાયન્સ જિયોનો IPO 1 કરોડ અરજીઓ સાથે વિશ્વનો સૌથી મોટો, 20 ગણો સબ્સ્ક્રાઇબ

રિલાયન્સ જિયોનો IPO 1 કરોડ અરજીઓ પાર કરનાર વિશ્વનો પ્રથમ IPO બન્યો છે. આ પહેલાં આ રેકોર્ડ ભારતની જ વારી એનર્જીઝ લિમિટેડના નામે હતો, જેના IPOને લગભગ 97 લાખ અરજીઓ મળી હતી.

આ દેશનો સૌથી મોટો IPO પણ છે. 21 ઑક્ટોબરે ખુલેલા આ IPOમાં સબ્સ્ક્રિપ્શન માટે આજે ત્રીજો અને અંતિમ દિવસ છે. અત્યાર સુધીમાં તે 20 ગણો ભરાઈ ચૂક્યો છે. સંસ્થાકિય રોકાણકારોનો કોટા 55 ગણો અને રિટેલ પોર્શન 2.69 ગણો સબ્સ્ક્રાઇબ થઈ ચૂક્યો છે.

પહેલા દિવસે ઈશ્યૂ 3 ગણાથી વધુ ભરાયો હતો. 19.75 કરોડ શેરની સામે 59.68 કરોડ શેર માટેની માંગ આવી હતી. બીજા દિવસે શરૂઆતમાં સંસ્થાકિય રોકાણકારોની ભારે બિડિંગને કારણે આ આંકડો 3.50 ગણાથી વધુ પહોંચી ગયો.

જિયોના એક શેરની કિંમત એટલે કે પ્રાઇસ બેન્ડ ₹1,065થી ₹1,119 છે. સામાન્ય રોકાણકારને શેર ખરીદવા માટે ઓછામાં ઓછા ₹13,428નું રોકાણ કરવું પડશે, જ્યારે મહત્તમ 14 લોટ એટલે કે 168 શેર માટે અરજી કરી શકે છે. તેના માટે ₹1.87 લાખનું રોકાણ કરવું પડશે.

લિસ્ટિંગ પહેલાં કંપનીનો શેર ગ્રે માર્કેટમાં 23% એટલે કે પ્રતિ શેર ₹258ના પ્રીમિયમ પર પહોંચી ગયો છે. ગ્રે માર્કેટ પ્રીમિયમ એટલે કે GMP મુજબ જોવામાં આવે તો અપર પ્રાઇસ બેન્ડ ₹1,119ના આધારે તેનું લિસ્ટિંગ (1119+258=₹1377) ₹1,377 પર થઈ શકે છે.

જિયો આ આઈપીઓ મારફતે કુલ ₹30,213 કરોડ એકત્ર કરી રહી છે. જોકે, ઈશ્યૂ ખુલવાના ઠીક પહેલાં કંપનીએ એન્કર ઇન્વેસ્ટર્સને શેર જારી કરીને ₹8,110 કરોડનું ફંડ એકત્ર કરી લીધું હતું.

એન્કર કોટા બાદ પ્રાઇમરી માર્કેટમાં સામાન્ય જનતા અને સંસ્થાકિય ખરીદદારો માટે આશરે ₹22,103 કરોડનો નેટ ઈશ્યૂ જ રાખવામાં આવ્યો છે, જેના પર સતત બોલીઓ લાગી રહી છે.

આ IPOમાંથી મળનારી રકમનો ઉપયોગ કંપનીની મુખ્ય સબ્સિડિયરી, રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડ (RJIL)ના દેવાની ચુકવણી માટે કરવામાં આવશે. આ ઉપરાંત જનરલ કોર્પોરેટ કામો માટે પણ ફંડનો ઉપયોગ કરવામાં આવશે.

ઇશ્યૂ પછી પ્રમોટર અને પ્રમોટર ગ્રુપની હિસ્સેદારી 66.43%થી ઘટીને 64.48% રહી જશે, જ્યારે પબ્લિક શેરહોલ્ડિંગ 33.57%થી વધીને 35.52% થઈ જશે.

કોઈપણ IPOમાં મોટા રોકાણકારો જેવા કે મ્યુચ્યુઅલ ફંડ્સ, વિદેશી રોકાણકારો અને વીમા કંપનીઓ માટે અનામત એક વિશેષ કોટા હોય છે. IPO સામાન્ય જનતા માટે ખુલવાના બરાબર એક દિવસ પહેલાં આ મોટા રોકાણકારોને એન્કર બુક હેઠળ શેર ફાળવવામાં આવે છે.

સરળ શબ્દોમાં કહીએ તો, આ કંપનીના IPO માટે એક પ્રકારનો 'એડવાન્સ ટેસ્ટ' હોય છે. જ્યારે મોટા અને અનુભવી રોકાણકારો કોઈ કંપનીની એન્કર બુકમાં મોટી રકમનું રોકાણ કરે છે, ત્યારે તેનાથી કંપનીની વિશ્વસનીયતા મજબૂત થાય છે અને રિટેલ રોકાણકારોનો પણ IPO પર વિશ્વાસ વધે છે.