રિલાયન્સ જિયોએ તેની 10મી વર્ષગાંઠ નિમિત્તે 2G ફોન વાપરતા ગ્રાહકો માટે એક ખાસ ઓફર જાહેર કરી છે. કંપનીના જણાવ્યા અનુસાર, જો ગ્રાહક ‘JioBharat 4G’ ફોન ખરીદે છે, તો તેમને 6 મહિનાનું રિચાર્જ મફત મળશે. આ ઓફર હેઠળ ફોનની ખરીદી પર ₹1,499 ચૂકવવા પડશે, જેમાં 6 મહિનાના રિચાર્જની કિંમત આશરે ₹1,200 જેટલી થાય છે. આમ, 4G માં અપગ્રેડ થવાનો ચોખ્ખો ખર્ચ ફક્ત ₹299 જ થશે.
કંપનીના જણાવ્યા મુજબ, આ ઓફર ખાસ કરીને 2G ફીચર ફોન વાપરતા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. સામાન્ય રીતે 2G યુઝર્સ દર મહિને આશરે ₹199નું રિચાર્જ કરાવતા હોય છે, જે છ મહિનામાં ₹1,200 જેટલું થાય છે. જો ગ્રાહક ‘JioBharat 4G’ ખરીદે છે, તો તેમને 6 મહિના સુધી કોઈ રિચાર્જ કરાવવું પડશે નહીં.
આ ફોનમાં અનલિમિટેડ કૉલિંગ, દર મહિને 14GB ડેટા, JioTV પર 500થી વધુ લાઈવ ટીવી ચેનલ્સ, JioHotstar પર લાઈવ ક્રિકેટ અને ફિલ્મો, JioSaavn મ્યુઝિક સ્ટ્રીમિંગ અને JioPay દ્વારા UPI પેમેન્ટ જેવી સુવિધાઓ મળશે.
આ ઓફર જિયોભારત સિરીઝના પસંદગીના A1, B1, B2 અને B3 મોડેલ્સ પર લાગુ છે. આ ફોનમાં 2.4 ઇંચનું ડિસ્પ્લે અને 2000mAhની બેટરી આપવામાં આવી છે.
આ ઓફર એવા લોકો માટે ઉપયોગી છે જેઓ હજુ પણ સાદા 2G ફોનનો ઉપયોગ કરે છે અને માત્ર કોલિંગ અને SMS પૂરતા મર્યાદિત છે. ખાસ કરીને ઘરમાં રહેતા વડીલો અને મહિલાઓ માટે, જેઓ હજુ સાદા ફોન વાપરે છે, તેમને ઓછા ખર્ચે 4G ડિજિટલ સુવિધાઓ અને UPI પેમેન્ટ સાથે જોડવા માટે આ એક તક છે.