ટેકનોલોજી દિનપ્રતિદિન આગળ વધી રહી છે. ભારતની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં એક એવી નવી ટેકનોલોજી રજૂ કરી છે, જેમાં સ્માર્ટ ચશ્મા (AI Smart Glass) પહેરીને યૂઝર તેની આંખની નજર અને અવાજના આધારે ઘણા કામ કરી શકશે. આ ડિવાઈસને UPI પેમેન્ટ, લાઈવ ટ્રાન્સલેશન અને પર્સનલ આસિસ્ટન્ટ તરીકે વાપરી શકાય તેવી ક્ષમતા આપવામાં આવી છે.
અત્યાર સુધી લોકો ઓનલાઈન પેમેન્ટ માટે ખિસ્સામાંથી સ્માર્ટફોન કાઢતા, સ્કેનર ચાલુ કરતા અને પછી પૈસા ટ્રાન્સફર થતા. જિયોના નવા AI સ્માર્ટ ગ્લાસમાં દાવો કરવામાં આવ્યો છે કે યૂઝરને ફોન કાઢવાની જરૂર નહીં પડે. જ્યારે યૂઝર દુકાન પર સામાન ખરીદવા જશે, ત્યારે તે ચશ્માથી દુકાનદારનો QR કોડ જોઈ શકશે અને અવાજથી રકમ બોલશે. સિસ્ટમ પુષ્ટિ માગશે અને યૂઝરના હા કહેતાં જ પૈસા ટ્રાન્સફર થઈ જશે.
કંપનીએ આ ફીચરના સિક્યોરિટી સિસ્ટમ અને ઓથેન્ટિકેશન અંગે વધુ માહિતી આપી નથી, પરંતુ NPCI સાથે મળીને આ ફીચર લગભગ ફાઈનલ કરવામાં આવ્યું છે. આનાથી દેશના ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં મોટો બદલાવ આવવાની શક્યતા છે.
જિયોએ આ ટેકનોલોજી હેઠળ સ્માર્ટ ચશ્માના બે વેરિઅન્ટ રજૂ કર્યા છે. પહેલું મોડેલ પૂરી રીતે ઓડિયો આધારિત છે, જેમાં સ્પીકર અને માઈક આપવામાં આવ્યા છે. તેનાથી યૂઝર ગીતો સાંભળી શકશે અને ફોન કોલ્સ અટેન્ડ કરી શકશે. બીજું અને વધુ અદ્યતન મોડેલ વિઝ્યુઅલ ઈન્ટેલિજન્સ અને HD કેમેરાથી સજ્જ છે. આ મોડેલ સામે ચાલી રહેલી વસ્તુઓને રીઅલ-ટાઈમમાં સમજી શકે છે અને યૂઝરના કમાન્ડ પર તરત પ્રતિક્રિયા આપે છે.
બંને મોડેલ્સ જિયોના ઓપરેટિંગ સિસ્ટમ JioRealityOS પર તૈયાર કરવામાં આવ્યા છે. કંપનીના દાવા અનુસાર, વપરાશકર્તાએ ફક્ત 'Hello Jio' બોલવાનું છે અને ડિવાઈસ તેની વાત સમજી લેશે. સેન્સર અને કેમેરાની ગુણવત્તા એવી રીતે ટ્યુન કરવામાં આવી છે કે કોઈ પણ પ્રકાશમાં સારું પર્ફોર્મન્સ મળે. કંપની લાંબા બેટરી બેકઅપનો દાવો પણ કરે છે.
આ ડિવાઈસમાં 12 ભારતીય ભાષાઓનો સપોર્ટ આપવામાં આવ્યો છે, જેથી યૂઝર અજાણી ભાષા કે વાતચીતને તરત સમજી શકે. આ ઉપરાંત હાથ લગાવ્યા વગર લાઈવ સ્ટ્રીમિંગ, રસ્તાઓનું નેવિગેશન અને અન્ય માહિતી આંખો સામે મેળવી શકાશે.
રિલાયન્સ જિયો આ સ્માર્ટ ગ્લાસને આ વર્ષના અંત સુધીમાં, એટલે કે નવેમ્બર કે ડિસેમ્બરમાં, ભારતીય બજારમાં લોન્ચ કરી શકે છે. કંપની તેને પરવડે તેવી કિંમતે લોન્ચ કરવાની યોજના ધરાવે છે, જેથી વધુમાં વધુ યૂઝર સુધી પહોંચી શકાય.