સત્ય. સાહસ. સંકલ્પ.

ગાંધીનગરમાં 24 કલાકમાં જિગ્નેશ મેવાણી સામે બે FIR, પોલીસ સ્ટેશનમાં હોબાળો અને આચારસંહિતા ભંગનો આરોપ

ગાંધીનગરમાં 24 કલાકમાં જિગ્નેશ મેવાણી સામે બે FIR, પોલીસ સ્ટેશનમાં હોબાળો અને આચારસંહિતા ભંગનો આરોપ

ગાંધીનગરમાં ગત 8 ઓક્ટોબરે મનપાની ચૂંટણીના મતદાનના બે દિવસ પહેલા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને કોંગ્રેસના વોર્ડ નંબર 2ના ઉમેદવાર સૂર્યસિંહ ડાભી સહિત અનેક લોકો સામે પોલીસે બે અલગ-અલગ ફરિયાદ નોંધી છે. પોલીસ સ્ટેશનમાં હોબાળો કરવો, પોલીસની ફરજમાં રૂકાવટ ઊભી કરવી અને ચૂંટણી આચારસંહિતાનો ભંગ કરવાના આરોપોમાં આ ફરિયાદો દાખલ થઈ છે.

પ્રથમ ફરિયાદ પેથાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ચૂંટણી પ્રચાર દરમિયાન થયેલી બોલાચાલી અને ધમકી અંગેની અરજીના સંદર્ભમાં પેથાપુર પોલીસે કોંગ્રેસના વોર્ડ નંબર 4ના ઉમેદવાર યુનુસ પરમારને પૂછપરછ માટે બોલાવ્યા હતા. પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા પૂછપરછ ચાલી રહી હતી ત્યારે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આશરે 20 લોકોના ટોળા સાથે પોલીસ સ્ટેશનમાં ધસી આવ્યા હતા અને પોલીસની કામગીરીમાં અડચણ ઊભી કરી હતી.

બીજી ફરિયાદ સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. વોર્ડ નંબર 4ના કોંગ્રેસ ઉમેદવાર યુનુસ પરમારના સમર્થક મુનાફ હબીબભાઈ પઠાણે અન્ય ઉમેદવારના પ્રચારક નિલેષ વિષ્ણુ પંચાલને ધમકી આપી હતી કે 'આ અમારો વિસ્તાર છે, અહીં પ્રચાર કરવો નહીં, નહીંતર હાથ-પગ નહીં રહે.' આ અંગે નિલેષ પંચાલે પોલીસમાં લેખિત અરજી આપી હતી. ચૂંટણીના માહોલમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સેક્ટર-7 પોલીસ સ્ટેશને મુનાફ પઠાણને પૂછપરછ માટે સેક્ટર-13 પોલીસ ચોકીમાં લાવ્યો હતો. આ દરમિયાન મોડી રાત્રે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, સાકીર રાઠોડ, નાસીર ઉર્ફે પિન્ટુ મેમણ અને અજાણ્યા સમર્થકોનું ટોળું સેક્ટર-13 પોલીસ ચોકીમાં ધસી આવ્યું હતું. તેઓએ અહીંનો ઇન્ચાર્જ કોણ છે, મુનાફને કેમ લાવ્યા છો, તમારી દાદાગીરી કાઢી નાખીશ તેમ કહી બૂમાબૂમ કરી સરકારી ફરજમાં રૂકાવટ કરી હતી. સાથે પૂછપરછ ચાલુ હોવા છતાં મુનાફને બળજબરીથી પોલીસ ચોકી બહાર લઈ ગયા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, મેવાણી અને અન્ય લોકોએ પોલીસ સ્ટેશન બહાર બેસીને ઠાકોર સમાજને પોલીસ વિરુદ્ધ ઉશ્કેરવાના અને શાંતિ ડહોળવાના હેતુથી સૂત્રોચ્ચાર કર્યા હતા. આ ઘટનાનું મોબાઈલથી રેકોર્ડિંગ કરીને વીડિયો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર વાઇરલ પણ કરવામાં આવ્યો હતો. મનપા ચૂંટણી ટાણે જાહેરનામાનો ભંગ કરી પોલીસ પર દબાણ લાવવાના પ્રયાસ બદલ પોલીસે જિગ્નેશ મેવાણી, સૂર્યસિંહ ડાભી, અજયસિંહ ડાભી, અનોપસિંહ ડાભી, પ્રવીણસિંહ ડાભી, વિપુલસિંહ ડાભી અને મુલચંદભાઇ સહિત અજાણ્યા શખ્સો સામે પ્રથમ ફરિયાદ નોંધી છે.

વધુમાં, ચૂંટણીનો જાહેર પ્રચાર પૂર્ણ થઈ ગયો હોવા છતાં અને બહારના વિસ્તારના વ્યક્તિઓએ મતદાન વિસ્તાર છોડી દેવાનો નિયમ હોવા છતાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ મોડી રાત્રે પેથાપુર કસ્બા વિસ્તારમાં કોંગ્રેસ ઉમેદવારનો જાહેર પ્રચાર કરી આચારસંહિતાનો ભંગ કર્યો હતો. પેટ્રોલિંગમાં રહેલા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તેમને પ્રચાર કરતા અટકાવતા જિગ્નેશ મેવાણીએ પેથાપુર સંજરી પાર્કમાં કોંગ્રેસ કાર્યાલય આગળ જઈ એક વીડિયો શૂટ કરાવ્યો હતો. આ વીડિયોમાં તેમણે ઉચ્ચ અધિકારીઓ અને નીચલા દરજ્જાના પોલીસ કર્મચારીઓ વચ્ચે હોદ્દાના આધારે વિખવાદ, ધિક્કાર અને દ્વેષ ફેલાય તેવા કથનો કર્યા હતા. એટલું જ નહીં તેમણે પોલીસ વિશે વિવાદસ્પદ ટિપ્પણીઓ કરી તે વીડિયો પોતાના અધિકૃત ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કરી વાઇરલ કર્યો હતો. આ સમગ્ર ઘટના અંગે પેથાપુર બાદ સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં પણ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, સાકીર રાઠોડ, નાસીર ઉર્ફે પિન્ટુ મેમણ અને સાતેક અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

આ બે ફરિયાદો અંગે ભારે રોષ વ્યક્ત કરતા જિગ્નેશ મેવાણીએ પોલીસ અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, 'ઠાકોર સમાજની 150 કરોડની જમીન ઘસી નાખનારા સરકારના એક દલાલ શિરોમણીની સામે છેલ્લા અઠવાડિયાથી બોલું છું, ત્યારથી એને મરચાં લાગ્યા છે.' તેમણે ઉમેર્યું કે, 'દરેક ફરિયાદ મારા માટે મેડલ છે, થાય તેટલા ભડાકા કરી લેજો.' તેમણે એમ પણ કહ્યું કે, 'મારી મા-બેન વિશે ગંદી ગાળો બોલનાર સામે કોઈ ગુનો દાખલ નહીં થાય.'